આજના દોડધામભર્યા જીવનમાં સમયના અભાવે પેકેટમાં મળતા સ્નેક્સ, રેડી-ટુ-ઈટ ફૂડ અને ઈન્સ્ટન્ટ તૈયાર થતા ખાદ્ય પદાર્થો આપણી રોજિંદી લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયા છે. ચિંતાની વાત એ છે કે આ પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ હવે ઘરના તાજા અને પૌષ્ટિક ખોરાકની જગ્યા લઈ રહ્યા છે. જો તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરવા ઈચ્છો છો અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવા માગો છો, તો તેના માટે આખી ડાયટ બદલવાની કે રસોડામાંથી બધી વસ્તુઓ ફેંકી દેવાની જરૂર નથી. દિનચર્યામાં માત્ર 5 નાના ફેરફારો કરીને પણ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકાય છે.
સવારના નાસ્તાની શરૂઆત પૌષ્ટિક વિકલ્પોથી કરો
દિવસનો પ્રથમ ખોરાક આખા દિવસના પાચન અને ઊર્જાનું સ્તર નક્કી કરે છે. જો તમારો સવારનો નાસ્તો અંકુશ વિનાના પેકેજ્ડ કે મીઠા પ્રોડક્ટ્સ પર નિર્ભર હોય, તો તેને ઘરમાં સરળતાથી બનતી વસ્તુઓથી બદલો. સવારે ઓટ્સને દૂધ, ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ સાથે લઈ શકાય છે. આ સિવાય પૌષ્ટિક પૌઆ, શાકભાજી ઉમેરેલો ઉપમા કે સીંગદાણા જેવા ઘરગથ્થુ વિકલ્પો શ્રેષ્ઠ ગણાય છે.
ભૂખ અને આદત વચ્ચેનો તફાવત સમજો
ઘણીવાર આપણે ભૂખ લાગવાને કારણે નહીં, પરંતુ માત્ર ટેવને કારણે સ્નેકિંગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ચા કે કોફી સાથે બિસ્કિટ કે નમકીન ખાવાની ઈચ્છા આદતનો જ એક ભાગ છે. આવી સ્થિતિમાં પ્રોસેસ્ડ ફાસ્ટ ફૂડના સ્થાને શેકેલા ચણા, મખાના, તાજા ફળો કે મર્યાદિત માત્રામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની આદત પાડવી જોઈએ.
ફ્લેવર્ડ પ્રોડક્ટ્સ ખરીદતી વખતે લેબલ ચોક્કસ ચકાસો
દહીં કે યોગર્ટને સામાન્ય રીતે હેલ્ધી સ્નેક માનવામાં આવે છે, પરંતુ બજારમાં મળતા તમામ ફ્લેવર્ડ યોગર્ટ આરોગ્યપ્રદ હોતા નથી. પેકેજ્ડ આઈટમ્સ ખરીદતી વખતે તેના પર દર્શાવેલ શુગરની માત્રા અવશ્ય તપાસો. પેકેજ્ડ ફ્લેવર્ડ દહીંના બદલે સાદા ઘરના દહીંમાં તાજા ફળો કે સુકો મેવો ઉમેરીને ખાવું વધુ હિતાવહ છે.
જ્યુસ પીવાને બદલે આખા ફળ ખાવાની આદત પાડો
ફળોમાંથી પૌષ્ટિકતા મેળવવા માટે દર વખતે જ્યુસ બનાવવો જરૂરી નથી. જ્યારે આખું ફળ ઉપલબ્ધ હોય ત્યારે તેને સીધું જ ખાવું વધુ ફાયદાકારક છે. સફરજન, જામફળ, સંતરા કે પપૈયા જેવા ફળોને સીધા ખાવાથી તેમાં રહેલા કુદરતી ફાઈબર અને પોષક તત્વો શરીરમાં જળવાઈ રહે છે, જે પાચનક્રિયા માટે અત્યંત ઉપયોગી છે.
મુખ્ય ખોરાક સાથે વપરાતા પેકેજ્ડ સોસ અને ડીપ્સ ટાળો
ઘણા લોકોનો મુખ્ય ખોરાક ઘરનો બનેલો હોય છે, પરંતુ તેની સાથે ટોમેટો કેચપ, રેડીમેડ ડીપ્સ કે માયોનીઝ જેવી પેકેજ્ડ વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ્સ ભલે ઓછી માત્રામાં લેવાતી હોય, પણ તેમાં સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધુ હોય છે. ખોરાકનો સ્વાદ વધારવા માટે પેકેજ્ડ સોસના સ્થાને લીંબુ, ઘરે બનાવેલી લીલી ચટણી, દહીં કે દેશી મસાલાનો ઉપયોગ કરવો જોઈએ.


