પાલનપુર, 22 સપ્ટેમ્બર, 2026 – appointment of panel advocate for free legal aid જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠા-પાલનપુર દ્વારા ‘મફત અને સક્ષમ કાનૂની સેવા નિયમો-૨૦૧૦’ તથા નાલ્સાની જોગવાઈઓ અંતર્ગત જરૂરિયાતમંદ અને પાત્ર વ્યક્તિઓને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે ક્રિમિનલ સાઈડના પેનલ એડવોકેટની નિમણૂક કરવા લાયકાત ધરાવતા એડવોકેટ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પેનલ એડવોકેટ તરીકે અરજી કરવા ઇચ્છુક એડવોકેટે ક્રિમિનલ સાઈડ એડવોકેટ તરીકે સાત વર્ષ કે તેથી વધુ સમયનો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે.
પસંદગી પામનાર પેનલ એડવોકેટની નિમણૂક કામગીરી તથા સમયાંતરે થતી સમીક્ષાના આધારે ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. નિયુક્ત એડવોકેટને સરકારશ્રી દ્વારા નિયત કરાયેલાં ધોરણો મુજબ ફી ચૂકવવામાં આવશે. ઉપરાંત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાતી તાલીમ તથા બેઠકોમાં હાજરી આપવી તેમજ સોંપવામાં આવેલા કેસોની વિગતો નાલ્સા પોર્ટલ પર નિયમિત રીતે અપડેટ કરી પખવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ઇચ્છુક અને લાયકાત ધરાવતા એડવોકેટે નિયત નમૂનામાં અરજી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠા-પાલનપુરના અધ્યક્ષને કરવાની રહેશે. અરજી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર ખાતે મળી જાય તે રીતે રજૂ કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજીમાં ખોટી વિગતો અથવા કોઈ ક્ષતિ જણાશે તો અરજી રદ કરવામાં આવશે. પેનલ એડવોકેટની પસંદગી પ્રક્રિયા અંગે અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી રહેશે.


