નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2026: ભારતીય ઓટોમોબાઇલ બજારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ‘ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ’ (FADA)ના તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બરમાં દેશભરમાં કુલ 25,36,920 વાહનોનું છૂટક વેચાણ (રીટેલ સેલ્સ) થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 31.82% વધુ છે. જ્યારે ઓગસ્ટ મહિનાની સરખામણીએ પણ વેચાણમાં 4.69%નો વધારો નોંધાયો છે. આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર) કુલ ઓટો રીટેલ સેલ્સ 1,55,12,319 યુનિટ રહ્યો છે, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીએ 20.77%નો વધારો દર્શાવે છે. જોકે, ફાડાના પ્રમુખ સાઈ ગિરિધરે સ્પષ્ટતા કરી છે કે આ ઊંચી ગ્રોથ પાછળ ગયા વર્ષનો નબળો ‘બેઝ ઈફેક્ટ’ પણ જવાબદાર છે, કારણ કે ગયા વર્ષે જીએસટી 2.0 લાગુ થતા પહેલાં ગ્રાહકોએ ખરીદી ટાળી હતી. તેમ છતાં, પાંચ મુખ્ય કેટેગરીમાં સપ્ટેમ્બરનું આ પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ઉત્તમોત્તમ રહ્યું છે.
સપ્ટેમ્બર મહિનામાં તમામ વાહન સેગમેન્ટ્સમાં રેકોર્ડબ્રેક વેચાણ જોવા મળ્યું છે. ટૂ-વ્હીલર રીટેલ સેલ્સ 33.08% વધીને 17,90,188 યુનિટ પર પહોંચી ગયું છે. પેસેન્જર વ્હીકલ એટલે કે કારનું વેચાણ પણ 32.10% વધીને 4,27,213 યુનિટ નોંધાયું છે, જે સપ્ટેમ્બર મહિના માટે અત્યાર સુધીનો ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ છે. કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટે પણ નવો ઈતિહાસ રચ્યો છે, જ્યાં પ્રથમ વખત સપ્ટેમ્બર મહિનામાં વેચાણ 1 લાખનો આંકડો વટાવીને 37.62%ની વૃદ્ધિ સાથે 1,03,557 યુનિટ પર પહોંચ્યું છે. થ્રી-વ્હીલરનું વેચાણ 22.25% વધીને 1,32,570 યુનિટ અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનું વેચાણ 38% વધીને 6,486 યુનિટ રહ્યું છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 13.75%નો વધારો નોંધાતાં 76,906 યુનિટનું વેચાણ થયું છે, જોકે ઓગસ્ટની સરખામણીએ તેમાં 12.58%નો ઘટાડો જોવા મળ્યો છે.
-
3.34 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા
ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ પોતાના ઓલ-ટાઇમ હાઇ લેવલે પહોંચ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં આશરે 3.34 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા અને કુલ ઓટો રીટેલમાં EVનો હિસ્સો વધીને આશરે 13% થઈ ગયો છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કાર ખરીદનારાઓ વચ્ચે પેટ્રોલ ઉપરાંત અન્ય ફ્યુઅલ ઓપ્શન પ્રત્યે પણ આકર્ષણ વધ્યું છે, જેમાં સપ્ટેમ્બરમાં પેટ્રોલ કારનો હિસ્સો 41.27% રહ્યો હતો, જ્યારે સીએનજીનો હિસ્સો 23.11%, હાઇબ્રિડનો 9.44% અને ઈવીનો હિસ્સો 8.45% નોંધાયો હતો.
આગામી ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ અને દશેરા જેવા મોટા તહેવારો હોવાથી 75.57% ડીલરો વેચાણમાં હજુ વધુ વધારાની આશા રાખી રહ્યા છે. પરંતુ ફાડાએ બે મુખ્ય ચિંતાઓ વ્યક્ત કરી છે. પ્રથમ, વાહનોની સતત વધતી કિંમતોને કારણે ગ્રાહકોની ખરીદ ક્ષમતા પર અસર પડી શકે છે. દ્વિતીય, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીલરો પાસે હાલ 43 થી 45 દિવસનો સ્ટોક (ઇન્વેન્ટરી) જમા થઈ ગયો છે, જે ફાડા દ્વારા સૂચવવામાં આવેલા 21 દિવસના સામાન્ય સ્તર કરતાં બમણાથી પણ વધુ છે. આ વધારે પડતો સ્ટોક ખાલી કરવા માટે આગામી દિવસોમાં કંપનીઓ અને ડીલરો પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફરો આપવાનું દબાણ વધી શકે છે.


