HomerevoinewsGST કાઉન્સિલની 57મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું જીસીસીઆઈએ સ્વાગત કર્યું

GST કાઉન્સિલની 57મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું જીસીસીઆઈએ સ્વાગત કર્યું

અમદાવાદ, 9 ઑક્ટોબર, 2026 – GCCI GST Council ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, GST કાઉન્સિલ દ્વારા તેઓની 57મી બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું સ્વાગત કરે છે. “રિફંડ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવવાની તથા કાનૂની વિવાદો ઘટાડવા માટે સુધારાઓની જાહેરાત ખૂબ ઉત્સાહવર્ધક છે, તેમ રાજ્યના સૌથી મોટા બિઝનેસ સંગઠન દ્વારા જારી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) GST કાઉન્સિલના અધ્યક્ષ શ્રીમતી નિર્મલા સીતારમણજીના અધ્યક્ષસ્થાને 8 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની 57મી બેઠકમાં લેવાયેલા વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું સ્વાગત કરે છે. કાઉન્સિલે રિફંડ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવવા તેમજ કાનૂની વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે મહત્ત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા છે.

આ બેઠકમાં લેવામાં આવેલા અગત્યના નિર્ણયો નીચે મુજબ છે:

  • કાઉન્સિલે GST હેઠળ ધરપકડ કરવાની સત્તા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે અને આ માટેની નાણાકીય મર્યાદા (થ્રેશોલ્ડ) રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરી છે. સામાન્ય દંડની રકમ પણ રૂ. 25,000/- થી ઘટાડીને રૂ. 10,000/- કરવામાં આવી છે.
  • રિફંડના દાવા મંજૂર કરવાની પ્રક્રિયા હવે કોઈ વ્યક્તિગત અધિકારીને બદલે સીધી સિસ્ટમ દ્વારા જ (ઓટોમેટિક રીતે) કરવામાં આવશે, જેમાં 90% દાવાઓ સિસ્ટમ દ્વારા મંજૂર થશે. રિફંડ ઓર્ડર હવે સ્વીકૃતિ (acknowledgement) મળ્યાના ત્રણ કામકાજના દિવસોમાં જારી કરવામાં આવશે, જે હાલમાં સાત દિવસનો સમય લે છે. તેવી જ રીતે, કેશ લેજરમાં રહેલી વધારાની રકમ (excess balance) નું રિફંડ પણ અધિકારીની સંડોવણી વિના સંપૂર્ણપણે ઓટોમેટીકપ્રક્રિયાથી કરવામાં આવશે. રિફંડ દાવાની સ્વીકૃતિ માટેની સમયમર્યાદા 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવી છે.
  • રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન રદ કરવા (surrender) સંબંધિત પ્રક્રિયાઓમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે, જેનાથી સિસ્ટમમાં વધુ સ્પષ્ટતા આવશે અને હિતધારકો સરળતાથી GST સિસ્ટમમાં જોડાઈ શકશે કે તેમાંથી બહાર નીકળી શકશે. સિસ્ટમ-આધારિત પ્રક્રિયાઓ દાખલ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય ઘટશે.
  • હવે કર્મચારીઓ માટે લેવામાં આવેલા આરોગ્ય અને જીવન વીમા પર પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો ઉપલબ્ધ થશે. વિવિધ ઉદ્યોગો દ્વારા ફેક્ટરીની બહાર નાખેલા ટેલિકોમ્યુનિકેશન ટાવર અને પાઇપલાઇન પર પણ ક્રેડિટનો દાવો કરી શકાશે. માળના સેમ્પલ તેમજ હવે ઉપયોગમાં ના આવી શકે તેવા માલ પર પણ ITC ઉપલબ્ધ થશે જેનાથી ફાર્મા સહિત ઘણા ક્ષેત્રો માટે ITCનો પ્રવાહ સરળ બનશે.
  • ટેક્સટાઇલ, ફાર્મા, ચોક્કસ ખાદ્ય ઉદ્યોગ જેવા ક્ષેત્રો જે ઈન્વર્ટેડ ડ્યુટી માળખામાં હતા તેમને લાભ થશે કારણ કે ઇનપુટ સેવાઓ પર ચૂકવવામાં આવતા કર હવે 1 નવેમ્બર, 2026ના રોજ અથવા તે પછી ઉપલબ્ધ ક્રેડિટ માટે રિફંડ માટે પાત્ર બનશે. તેવી જ રીતે મૂડી માલ પર ઇનપુટ ક્રેડિટ 1 એપ્રિલ, 2027થી ચોક્કસ મર્યાદાઓ સાથે રિફંડ માટે પાત્ર રહેશે.
  • કાઉન્સિલે એક કન્સેપ્ટ નોટને મંજૂરી આપી છે જેમાં 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા નાના વ્યવસાયો, જેઓફક્ત બિન નોંધાયેલી વ્યક્તિઓ (B2C) ને સપ્લાય કરતા હોય છે, તેમને વૈકલ્પિક વાર્ષિક રિટર્ન માં સુવિધા મળશે, જેમાં ત્રિમાસિક કર ચુકવણીનો સમાવેશ થશે જેના માટે વિગતવાર માળખું આગામી કાઉન્સિલ મીટીંગ સમક્ષ અંતિમ નિર્ણય માટે મૂકવામાં આવશે.
  • માલ વહન કરતા વાહનોને ફક્ત ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે જ રોકી શકાય છે, જેમાં સંયુક્ત કમિશનરથી નીચેના હોદ્દા પર ન હોય તેવા અધિકારીની પૂર્વ મંજૂરી હોય છે. હવે ફક્ત જે રાજ્યમાંથી માલ નીકળેલો હોય અને જે રાજ્યમાં તેનું અંતિમ ડેસ્ટિનેશન હોય તેવા રાજ્ય જ પરિવહનમાં માલનું નિરીક્ષણ કરી શકશે. પરંતુ તેવા સંજોગોમાં જ્યાં આવો માલ લઇ જનાર વાહનપાસે જો તે બાબતના કોઈ દસ્તાવેજ ના હોય, તો તેવા સંજોગોમાં વચ્ચેના પરિવહન રાજ્યોમાં પણ તેનું નિરીક્ષણ કરી શકાશે.
  • વિવિધ ઉદ્યોગો દ્વારા કરવામાં આવતી “વિવિધ સર્વિસીસ”ની નિકાસને પણ વ્યાપક GST રાહતો મળશે. કાઉન્સિલે સેવાઓના નિકાસ માટે GST સારવારનો વ્યાપ વિસ્તાર્યો છે. નિકાસ લાભો હવે વિદેશી શાખાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને વિદેશી ગ્રાહકોના માલ પર ભારતમાં કરવામાં આવતા કાર્ય સુધી વિસ્તૃત કરવામાં આવેલ છે.
  • નાના વિક્રેતાઓ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મનીસેવાઓ માટે તેનો સરળ રીતે ઉપયોગ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રસ્તુત GST કાઉન્સિલ બેઠકનું ફોક્સ, આ વખતે, કરના વિવિધ દરોમાં ફેરફાર કરવાની જગ્યાએ “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” “ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)”, રિફંડ, મુકદ્દમા અને GST પાલન પર કેન્દ્રિત રાખવામાં આવ્યું હતું.

રાષ્ટ્રના અગણિત કરદાતાઓના પ્રશ્નો બાબતે, તે અંગે નિવારણ અન્વયે તેમજ GST માળખામાં સતત સુધારો કરવા માટે GST કાઉન્સિલના સતત સક્રિય પગલાંની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે અમે પ્રશંસા કરીએ છીએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular