વડોદરા, 12 ઓક્ટોબર, 2026 : Gujsitok’s absconding accused arrested શહેરની એસએસજી હોસ્પિટલમાં ગુજસીટોકના ગુનાના આરોપી મોહસીન મીંડીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન જાપ્તા પોલીસને ચકમો આપીને હોસ્પિટલમાંથી આરોપી મોહસીન ફરાર થઈ જતા પોલીસ આરોપીને પકડવા દોડધામ કરી હતી. અને આરોપીને 11 કલાક બાદ ગોધરાથી દબોચી લેવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગુજસીટોક ગુનાનો આરોપી મોહસીન મીંડીને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પોલીસ જાપ્તામાં હતો. ત્યારે બાથરૂમ જવાનું બહાનું કાઢીને પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આખરે બાતમીને આધારે પોલીસે આરોપી મોહસીન મીંડીને ગોધરાથી ઝડપી લીધો હતો.
સુરતની કુખ્યાત ‘મીંડી ગેંગ’ અને તેના સાગરિતો સામે સંગઠિત ગુનાખોરી, ડર અને આતંક ફેલાવવા બદલ સુરત પોલીસ દ્વારા ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ગેંગ વિરુદ્ધ લાલગેટ, ચોકબજાર અને રાંદેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, જાહેરમાં ફાયરિંગ, ગેરકાયદે હથિયારો રાખવા, ખંડણી વસૂલવી અને પોલીસ પર હુમલો કરવા જેવા 15 થી 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.


