Homerevoinewsસ્વસ્થ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠીનું...

સ્વસ્થ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન

વેરાવળ, ૯ ઑક્ટોબર, ૨૦૨૬: Shree Somnath Sanskrit University વિકાસ સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત RUSA Component No. 11 – Faculty Improvement ના સહયોગથી તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે “વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા” વિષય પર આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો સમાપન સમારંભ તા. ૯ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકેથી યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.

સમારંભ સમારોહની શરૂઆત વેદ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દીપપ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત-પરિચય કરાવવામાં આવ્યો હતો અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India
National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India

સમારંભની અધ્યક્ષતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ કરી હતી. મુખ્ય અતિથિ તરીકે ડૉ. પાચાભાઈ દમણિયા, એમ.ડી. (આયુર્વેદ), આયુર્વેદ નિષ્ણાત, ડૉ. દમણિયા આયુર્વેદિક હોસ્પિટલ, ઊના, ગીર સોમનાથ તથા વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. રાહુલ ભટ્ટ, મુખ્ય તબીબી અધિકારી અને પ્રાકૃતિક ચિકિત્સા સલાહકાર, યોગાશ્રમ નેચર ક્યોર સેન્ટર, જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા.

સંગોષ્ઠીના સંયોજક ડૉ. મનનકુમાર અગ્રવાલે ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે સંગોષ્ઠી દરમિયાન યોજાયેલાં વિવિધ શૈક્ષણિક સત્રો, વિષય નિષ્ણાતોના માર્ગદર્શન અને પ્રતિભાગીઓની સક્રિય ભાગીદારી અંગે માહિતી આપી હતી. 511 વાર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યાં. 220 સંશોધકોએ શોધપત્ર પ્રસ્તુતિ કરી અને 80 પ્રતિભાગીઓએ આ ત્રિ-દિવસીય સેમિનારમાં ભારતભરના વિવિધ સ્થાનોથી પધારેલા કુલ 300 જેટલા યોગ જિજ્ઞાસુઓએ ભાગગ્રહણ કર્યો. ત્યારબાદ પ્રતિભાગીઓએ સંગોષ્ઠી દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન, અનુભવો અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ તબક્કામાં તુલસી ભાભોર, ડૉ. ઇન્દ્રાણી ત્રિવેદી, દિવ્યાંશ જૈન, જયપાલસિંહ રાજપૂત, જયરામ કુશવાહ અને પૂનમ મહેતા સહિતના પ્રતિભાગીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જયરામ કુશવાહ કે જેઓ લકુલિશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ/ઝારખંડથી પધાર્યાં તેમણે અત્રેની યુનિવર્સિટી સાથે MoU કરી શૈક્ષણિક અને સંશોધન સંયુક્ત કામગીરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India
National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India

મુખ્ય અતિથિ ડૉ. પાંચાભાઈ દમણિયાએ પોતાના ઉદ્બોધનમાં આયુર્વેદ અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારની ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ કહ્યું કે આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતામાં (અધ્યાય-11) પ્રાણેષણા, ધનેષણા અને પરલોકેષણાની વાત કરવામાં આવી છે. हेयं दुःखमनागतम्। (પાતંજલયોગસૂત્રમ્ 2.16) અર્થાત્ ભવિષ્યમાં આવનારા દુઃખને ટાળવા જોઈએ. પદ્માસનમાં પ્રતિદિન માત્ર 5 મિનિટ બેસવાથી કેન્સર રોગ થતો નથી. સાથે-સાથે વિવિધ આસનોના લક્ષણ અને લાભની વાત તેમણે કરી. નિયમિત અનુલોમ-વિલોમ પ્રાણાયામથી મનુષ્ય BP કંટ્રોલ કરી શકે છે.

વિશિષ્ટ અતિથિ ડૉ. રાહુલ ભટ્ટે પ્રાકૃતિક ચિકિત્સા, યોગ અને આરોગ્યપ્રદ જીવનશૈલીના પરસ્પર સંબંધ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્યની જાળવણી, રોગપ્રતિકારક ક્ષમતાના સંવર્ધન અને સર્વાંગી સુખાકારી માટે પ્રાકૃતિક ચિકિત્સાના મહત્ત્વને સમજાવ્યું હતું.

National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India
National Seminar Concludes at Shree Somnath Sanskrit University with a Resolve for a Healthy and Developed India

અધ્યક્ષીય ઉદ્બોધનમાં યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સા જેવી ભારતીય જ્ઞાનપરંપરાઓના સંવર્ધન અને પ્રસારની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે આ જ્ઞાનપરંપરાઓને આધુનિક શૈક્ષણિક અને સંશોધનાત્મક અભિગમ સાથે જોડીને સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી. આપણે સૌ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. મનુષ્યની પ્રકૃતિ સામાન્ય રીતે રજોગુણી મહત્તમ છે. રજોગુણી વ્યક્તિ કર્મનિષ્ઠ હોય છે. મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય શાંતિ પ્રાપ્તિનું છે. अशान्तस्य कुतः सुखम्। (श्रीमद्भगवद्गीता-2.66) અશાન્ત વ્યક્તિને સુખ ક્યાંથી મળે? પંતજલિમુનિએ ત્રણ શાસ્ત્ર આપ્યાં છે 1) યોગસૂત્રમ્ (મન ચિત્ત શુદ્ધિ માટે), 2) મહાભાષ્યમ્ (વાણી/શબ્દ શુદ્ધિ માટે) અને 3) ચરક સંહિતા (શરીર શુદ્ધિ માટે). અંતમાં તેમણે કહ્યું કે યોગમય જીવન જીવનારો મનુષ્ય સ્વસ્થ રહે છે.

સમારંભ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે સંગોષ્ઠીના પ્રતિભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગોષ્ઠીના આયોજકો, સંયોજકો, માર્ગદર્શકો, પ્રાધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા વિવિધ સ્થળોએથી આવેલા પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મનીષા બી. રામ, સહાયક આચાર્ય, વિશિષ્ટ યોગ કેન્દ્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. સહ-સંયોજક તરીકે અત્રેની યુનિવર્સિટીના શ્રીમતી વૈશાલીબેન વાઘ, સંશોધન સહાયક ઉપસ્થિત રહ્યા. અંતે ડૉ. ડી. એમ. મોકરીયા, પ્રભારી શોધનિર્દેશકે આભારદર્શન કર્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો, આયોજકો તથા પ્રતિભાગીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

આ ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી દ્વારા યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સાના મહત્ત્વ અંગે શૈક્ષણિક ચર્ચા અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન મળ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય પરંપરાગત જ્ઞાન અને આધુનિક આરોગ્યલક્ષી અભિગમના સમન્વય દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાના ઉદ્દેશ સાથે સંપન્ન થયો હતો.
योगेन चित्तस्य पदेन वाचां
मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत्तं प्रवरं मुनीनां
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular