નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2026: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસ અને વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાના મિશનને પાર પાડવા માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે એક એવો અનોખો નિર્ણય લીધો છે, જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં કદાચ પહેલીવાર જોવા મળ્યો છે. ન્યુઝીલેન્ડ સામે આગામી સમયમાં રમાનાર બે મેચોની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પહેલા ગિલ રેડ-બોલ પ્રેક્ટિસ માટે પોતાની સાથે 4 થી 5 પર્સનલ નેટ બોલર્સને વિદેશ લઈ જઈ રહ્યા છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ તમામ બોલર્સના આવવા-જવાના હવાઈ ખર્ચ, મુસાફરી અને હોટેલ રોકાણનો આખો ખર્ચ બીસીસીઆઈ નહીં પરંતુ ગિલ પોતે પોતાની અંગત ખિસ્સામાંથી ઉઠાવશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર શરૂ થવાની છે. હજુ સિરીઝ શરૂ થવામાં એક મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ગિલ ત્યાંની પરિસ્થિતિ સાથે વહેલા તાલમેલ બેસાડવા માટે 23 અથવા 24 ઓક્ટોબરે જ ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ જશે. ન્યુઝીલેન્ડ જતા પહેલા ગિલ 18 થી 21 ઓક્ટોબર સુધી ન્યુ ચંદીગઢમાં છત્તીસગઢ સામે પંજાબ તરફથી રણજી ટ્રોફીની બીજી મેચ પણ રમતા નજરે પડશે.
ઇન્ડિયા-એ ની ટેસ્ટ સિરીઝનો ભાગ ન હોવાને કારણે ગિલ ન્યુઝીલેન્ડ પહોંચીને ત્યાંની સ્થાનિક પિચો પર પોતાના અંગત બોલર્સ સામે લાંબા નેટ સેશન્સ યોજીને પોતાની બેટિંગ ટેકનિકને વધુ ધારદાર બનાવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વન-ડે સિરીઝમાં પણ રમતા જોવા મળશે.
-
શરૂઆતની 3 વન-ડેમાં કપ્તાની, ત્યારબાદ ટેસ્ટની તૈયારીમાં જોડાશે
ન્યુઝીલેન્ડના આ આખા પ્રવાસમાં ૫ ટી૨૦, ૫ વન-ડે અને ૨ ટેસ્ટ મુકાબલા સામેલ છે. ટેસ્ટ ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટીમ મેનેજમેન્ટે એક ખાસ રણનીતિ બનાવી છે. શુભમન ગિલ ૪ નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચોની વન-ડે સિરીઝની શરુઆતની ૩ મેચોમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. ત્યારબાદ તેઓ છેલ્લી ૨ વન-ડે મેચોમાંથી હટી જશે અને પૂરી તાકાત સાથે રેડ-બૉલ પ્રેક્ટિસમાં જોડાઈ જશે. તેમની ગેરહાજરીમાં સિરીઝની છેલ્લી બે વન-ડે મેચોમાં શ્રેયસ અય્યર ભારતીય ટીમની કપ્તાની સંભાળશે.


