મેરઠ, 19 ઓક્ટોબર 2026 : ઉત્તર પ્રદેશના મેરઠમાં મર્ચન્ટ નેવી અધિકારી સૌરભ રાજપૂતની હત્યાના ચકચારી ‘બ્લુ ડ્રમ કેસ’માં અદાલતે બંને મુખ્ય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયને વધાવતા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અનોખો વિરોધ અને સમર્થન જોવા મળ્યું છે. ગોરખપુરના સિમરિયા વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલ પાસે સ્થાનિક યુવકો દ્વારા આરોપીઓ મુસ્કાન અને સાહિલના પ્રતિકાત્મક પૂતળા ફાંસીએ લટકાવીને કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

માર્ચ 2025માં મેરઠમાં સામે આવેલા આ ક્રૂર હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. મર્ચન્ટ નેવીના અધિકારી સૌરભ રાજપૂત (35 વર્ષ)ની તેની જ પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ મળીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. સૌરભે 2016 માં મુસ્કાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે લંડનમાં નોકરી કરતો હતો. મુસ્કાનના તેના જૂના મિત્ર સાહિલ શુક્લા સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ સૌરભ પોતાની પત્ની અને 6 વર્ષની પુત્રીનો જન્મદિવસ ઉજવવા લંડનથી આવ્યા હતા. સંબંધોમાં અડચણરૂપ બનતા મુસ્કાને નશાની ગોળીઓ આપીને પ્રેમી સાહિલ સાથે મળીને 3 માર્ચ 2025ની રાત્રે સૌરભની હત્યા કરી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને તેને બ્લુ ડ્રમમાં ભરીને સિમેન્ટથી સીલ કરી દીધા હતા. હત્યા બાદ બંને હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી અને કસોલ ફરવા ચાલ્યા ગયા હતા. ૧૮ માર્ચ ૨૦૨૫ના રોજ પોલીસે બંનેની ધરપકડ કરીને આ ભયાનક હત્યાનો પર્દાફાશ કર્યો હતો.
-
અદાલતે ફટકારી મૃત્યુદંડની સજા
આ કેસની સુનાવણી હાથ ધરતા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ 14 ઓક્ટોબર 2026 ના રોજ પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને દોષિત જાહેર કરીને મૃત્યુદંડની સજા ફટકારી છે. કોર્ટે BNS ની કલમ 103(1) અને 3(5) હેઠળ ફાંસીની સજા તેમજ પુરાવા છુપાવવા બદલ 7 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. સુનાવણી દરમિયાન 22 સાક્ષીઓના નિવેદનો અને ડિજિટલ પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા.
-
દુર્ગા પૂજા પંડાલમાં પ્રતિકાત્મક પૂતળા લટકાવીને વિરોધ
ગોરખપુરના સિમરિયા વિસ્તારમાં ચોક પાસે યુવકોએ મા દુર્ગાની વિદ્યુત ચાલિત પ્રતિમા સ્થાપિત કરી છે, જે આ વિસ્તારમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. આ ભયાનક અપરાધ પ્રત્યે લોકોનો રોષ વ્યક્ત કરવા અને ન્યાયતંત્રના નિર્ણયને સમર્થન આપવા માટે સમિતિના યુવકોએ મુસ્કાન અને સાહિલના પૂતળા બનાવીને તેને જાહેરમાં ફાંસી પર લટકાવ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આવા જગધન્ય અપરાધ કરનારાઓને સખતમાં સખત સજા મળવી જ જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે.


