- ૧૧ રાજ્યોના ૧૩૦ ખેલાડીઓ વચ્ચે જામશે બૌદ્ધિક જંગ
પાલનપુર, 23 ઑક્ટોબર, 2026 – 4th National Team Chess Championship for disabled players બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ ખેલાડીઓ માટેની રાષ્ટ્રીય કક્ષાની ૪થી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશનાં ૧૧ રાજ્યોમાંથી આશરે ૧૩૦ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પોતાની ટીમો સાથે ભાગ લઈ રહ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધાના અંતે રાષ્ટ્રીય વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૫૦ હજારથી વધુ દિવ્યાંગજનો છે. દિવ્યાંગજનોની જરૂરિયાતોને સમજવી, તેમના માટે કામ કરવું અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બનવું એ આપણી સૌની સામાજિક જવાબદારી છે. મંત્રીશ્રીએ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની મુખ્ય શાખાની મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ત્યાં દિવ્યાંગ વ્યક્તિઓના જીવન, શિક્ષણ અને તેમની ક્ષમતાઓને સમજવા માટે વિશેષ ડાર્ક રૂમ બનાવવામાં આવ્યો છે.
આ મુલાકાત દરમિયાન તેમને સમજાયું કે કુદરત જ્યારે વ્યક્તિ પાસેથી એક શક્તિ છીનવી લે છે, ત્યારે અન્ય શક્તિઓના વિકાસની સંભાવનાઓ પણ રહેલી હોય છે. દિવ્યાંગજનોને પોતાની ક્ષમતાઓ વિકસાવવા માટે યોગ્ય તક અને સુવિધાઓ પૂરી પાડવી એ માનવતાનું શ્રેષ્ઠ કાર્ય છે. દિવ્યાંગજનો માટે કાર્ય કરવું એ ભગવાનની સેવા કરવા સમાન છે.
પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, પાલનપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૪થી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની બાબત છે. દેશના ૧૧ રાજ્યોમાંથી આશરે ૧૩૦ જેટલા ખેલાડીઓની ભાગીદારી દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને રમતગમત પ્રત્યેના સમર્પણને ઉજાગર કરે છે. ચેસ જેવી બૌદ્ધિક રમત ખેલાડીઓની એકાગ્રતા, નિર્ણયશક્તિ અને વ્યૂહાત્મક વિચારસરણીને વધુ મજબૂત બનાવે છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધા ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે. પાલનપુરની ધરતી પરથી રાષ્ટ્રીય વિજેતાઓની જાહેરાત થવી એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. દિવ્યાંગ ખેલાડીઓને સમાન તકો, પ્રોત્સાહન અને જરૂરી સુવિધાઓ પૂરી પાડીને તેમની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવા માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ.
આ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ચેમ્પિયનશિપ દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત ક્ષેત્રે રહેલી ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા તેમજ તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. પાલનપુર ખાતે યોજાતી આ સ્પર્ધા બનાસકાંઠા જિલ્લાની રમતગમત ક્ષેત્રેની ઓળખને વધુ મજબૂત બનાવવાની સાથે દિવ્યાંગજનો પ્રત્યે સકારાત્મક અભિગમ અને સમાવેશી સમાજના નિર્માણનો સંદેશ પણ આપે છે.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, સેવાભાવી સંસ્થાઓ, દિવ્યાંગ રમતવીરો, અગ્રણી નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


