તેલ અવીવ, 23 ઓક્ટોબર 2026: ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના ચીફ ઓફ સ્ટોફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે જણાવ્યું છે કે આગામી સપ્તાહે યોજાનારી ‘નેસેટ’ (ઈઝરાયેલી સંસદ)ની ચૂંટણીઓ પહેલાં ઈરાન પર હુમલો કરવાની હાલમાં કોઈ ઓપરેશનલ જરૂરિયાત જણાતી નથી. ઈઝરાયેલમાં 27 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. ‘ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ, લેફ્ટનન્ટ જનરલ ઝમીરે સ્પષ્ટ કર્યું હતું કે, “અમને ચૂંટણી પહેલા ઈરાન પર હુમલો કરવાનો કોઈ સંકેત દેખાતો નથી, પરંતુ જો અમને લાગશે કે હુમલો કરવો જરૂરી છે, તો અમે ચોક્કસપણે તેમ કરીશું.”
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દક્ષિણ ઈઝરાયેલના ‘બહાદ 1’ ટ્રેનિંગ સેન્ટરમાં સૈન્ય કેડેટ્સના દીક્ષાંત સમારોહ દરમિયાન ઈરાન પર ગંભીર આરોપો મૂક્યા હતા. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, “ઈરાની શાસને હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી. મુજતબા ખામેનેઈએ તેમના પિતાના પગલે ચાલવાનો નિર્ણય કર્યો છે અને ઈરાન ફરી એકવાર વિનાશક પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ખતરાને કાયમ માટે ખતમ કરવાનો એકમાત્ર રસ્તો ઈરાનના શાસનને ઉથલાવી દેવાનો છે. મેં IDF, મોસાદ અને તમામ સુરક્ષા એજન્સીઓને આ જ નિર્દેશ આપ્યા છે.”
-
ઈરાન પાસે પરમાણુ શસ્ત્ર ન હોઈ શકે: ડોનાલ્ડ ટ્રમ્પ
આ દરમિયાન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેહરાન સામે પોતાનું કડક વલણ દોહરાવતા સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર હાસિલ કરવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું તે કરી રહ્યો છું જે અગાઉના પ્રમુખોએ કરવું જોઈતું હતું. અમે ઈરાનને પરમાણુ ક્ષમતા મેળવવા દઈ શકીએ નહીં. કદાચ કેટલાક લોકોને આ નિર્ણય પસંદ ન આવે, પરંતુ દેશના સાચા દેશભક્તો મારી આ આક્રમક વ્યૂહરચનાનું સમર્થન કરે છે.”
અગાઉ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા અમેરિકી પ્રમુખે તેહરાન નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈરાન અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર (મિડટર્મ) ચૂંટણીઓ પહેલા વૈશ્વિક સ્તરે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવ વધારવાના ઈરાદાથી જાણીજોઈને સંકટ ઊભું કરી રહ્યું છે.


