સુરત, 22 ઓક્ટોબર, 2026 : Cloth market will be illuminated for only 5 days during Diwali દિવાળીના તહેવારો ટાણે જ શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીનો દૌર ચાલી રહ્યો છે. લૂમ્સ સહિત કાચા મટીરિયલ્સના ભાવમાં તોતિંગ વધારોને લીધે ટેક્સટાઈલ ઉદ્યોગકારોને અગાઉના બુકિંગના ઓર્ડર પુરા કરવા મુશ્કેલ બન્યા છે. બીજીબાજુ વીજળીનું સંકટ સર્જાતા ટેક્સટાઈલ ઉદ્યોગકારો અને કાપડ બજારમાં દિવાળીના તહેવારો ટાણે 20 દિવસના બદલે હવે 5 દિવસ જ રોશની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારની માલિકીની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોને 8 કલાકના વીજ કાપ જાહેરાત કરી છે. ત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગકારો અને વોપારીઓ દ્વારા પોતાની રીતે વીજળી બચાવવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળીના તહેવાર ટાણે કાપડ માર્કેટોમાં 20 દિવસ સુધી ભવ્ય રોશની અને શણગાર કરવામાં આવતો હતો, પરંતુ આ વખતે વીજળીની બચત કરવા માત્ર 5 દિવસ જ લાઇટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, દિવાળી પૂર્વે કાપડ બજારના ટ્રેડર્સ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ક્રૂડ, કોલસો અને યાર્નમાં આવેલી તેજીના કારણે કાપડના ઉત્પાદન ખર્ચમાં 20% સુધીનો તોતિંગ વધારો થયો છે, જેનાથી બજારમાં ગ્રાહકી અને વેપાર પ્રભાવિત થયા છે.
દિવાળી પર્વ પર સુરતના રિંગરોડ સહિતના ટેક્સટાઇલ માર્કેટો અગાઉ 15 થી 20 દિવસ સુધી રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠતા હતા. જોકે, વર્તમાન સમયમાં પાવર કટોકટીને કારણે અનેક માર્કેટ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે કે, તહેવારની પરંપરા પણ જળવાઈ રહે અને વીજળીનો ખોટો બગાડ પણ ન થાય તે માટે ધનતેરસથી લઈને લાભપાંચમ સુધીના માત્ર 5 દિવસ જ રોશની ચાલુ રાખવામાં આવશે. વેપારીઓનું માનવું છે કે, જ્યારે રાજ્ય કે દેશમાં વીજળીની તંગી જેવી સ્થિતિ ઊભી થાય, ત્યારે ઉદ્યોગ જગતે આગળ આવીને સહયોગ આપવો જોઈએ.


