Homeગુજરાતીગુજરાતશહેરોમાં રાહદારીઓની સુરક્ષા રામભરોસે: રોડ અકસ્માતમાં ગુજરાતમાં 1747 લોકોના મોત

શહેરોમાં રાહદારીઓની સુરક્ષા રામભરોસે: રોડ અકસ્માતમાં ગુજરાતમાં 1747 લોકોના મોત

નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2026: ભારતના શહેરોમાં પગપાળા ફરવું હવે રોજિંદા જીવનમાં જોખમી સાબિત થઈ રહ્યું છે. ઓફિસ જવું હોય, બસ પકડવી હોય કે બજારમાંથી ઘરે પરત ફરવું હોય, રસ્તા પર ચાલતા સામાન્ય નાગરિકો માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે, ઝડપી ગતિએ દોડતા વાહનો, ફૂટપાથ પરનું દબાણ અને સુરક્ષિત ક્રોસિંગની અછતને કારણે દેશભરમાં હજારો પદયાત્રીઓ જીવ ગુમાવી રહ્યા છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અહેવાલ મુજબ, દેશમાં વર્ષ 2023 દરમિયાન 35221 પદયાત્રીઓ માર્ગ દૂર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા, જે કુલ માર્ગ અકસ્માત મૃત્યુના 20.4 ટકા જેટલા છે. જ્યારે 2024 માં આ આંકડો વધીને 36526 પર પહોંચી ગયો છે. રાજ્યવાર આંકડાઓની વાત કરીએ તો, તમિલનાડુમાં સૌથી વધુ 4712 પદયાત્રીઓના મોત થયા હતા. આ ઉપરાંત બિહારમાં 4149, મહારાષ્ટ્રમાં 3344, પશ્ચિમ બંગાળમાં 3241, કર્ણાટકમાં 2321, ઉત્તર પ્રદેશમાં 2131, રાજસ્થાનમાં 2042, મધ્ય પ્રદેશમાં 1928, ગુજરાતમાં 1747 અને આંધ્ર પ્રદેશમાં 1739 પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે.

  • મુખ્ય મહાનગરોની સ્થિતિ અત્યંત ચિંતાજનક

રાજધાની દિલ્હીમાં પદયાત્રીઓની સુરક્ષા રાતે અને હાઈ-સ્પીડ રોડ પર વધુ જોખમી બને છે. માત્ર જાન્યુઆરી 2026થી 15 ઓક્ટોબર 2026 વચ્ચે જ દિલ્હીમાં 524 પદયાત્રીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે 2025 માં આ આંકડો 649 હતો. રીંગ રોડ અને જી.ટી. રોડ જેવા માર્ગો પર અકસ્માતોનું જોખમ વધુ છે. એનસીઆરબીના અહેવાલ મુજબ, દેશના 53 મુખ્ય શહેરોમાં પેડેસ્ટ્રિયન સેફ્ટીના મામલે બેંગલુરુ સતત અગ્રેસર રહ્યું છે, જ્યાં ટૂટેલા ફૂટપાથ અને ખાડાઓને કારણે અકસ્માતો વધ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ‘હિટ-એન્ડ-રન’ ના બનાવો સૌથી મોટી ચિંતા છે. 2023 ના આંકડા મુજબ કુલ અકસ્માતમાં 38 ટકા કેસ હિટ-એન્ડ-રનના હતા, જેમાં મૃત્યુ પામનારાઓમાં 54 ટકા લોકો પદયાત્રીઓ હતા. કોલકાતા શહેરમાં રસ્તા પરના દબાણો અને તૂટેલા ફૂટપાથને કારણે ૨૦૨૪માં કુલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 41 ટકા (79 લોકો) પદયાત્રીઓ હતા.

માર્ગો પરના ખાડા અને દબાણો બને છે જાનના દુશ્મન

સરકારી આંકડાઓ અનુસાર, 2020 થી 2024 વચ્ચે રસ્તા પરના ખાડાઓને કારણે દેશભરમાં 9438 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે. આ ઉપરાંત, ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, બાંધકામનો કાટમાળ, તૂટેલા સ્લેબ અને રોડ ક્રોસિંગ માટે યોગ્ય સુવિધાઓનો અભાવ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સામાન્ય નાગરિકો માટે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે. ટ્રાફિક નિયમોની સાથોસાથ માર્ગોની નબળી બનાવટ પણ પદયાત્રીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular