ભોપાલ, 2 નવેમ્બર 2026: મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખાતેગામ વિસ્તારમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈન્દોર-બેતુલ હાઈવે પર ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે ચેકિંગ કરી રહેલા બાગલી પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ પુરી એક આઈશર વાહનની અડફેટે આવી જવાથી કરુણ મોત પામ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થાના પ્રભારી દિલીપ પુરીને રવિવાર મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યે ઈન્દોર-બેતુલ હાઈવે પરથી ગેરકાયદેસર દારૂ ભરેલા વાહનની અવરજવર અંગેની બાતમી મળી હતી. માહિતી મળતાની સાથે જ તેઓ પોલીસ ટીમ સાથે તાત્કાલિક હાઈવે પર નાકાબંધી અને ચેકિંગ માટે પહોંચ્યા હતા. નેમાવર પોલીસ પણ આ શંકાસ્પદ આઈશર વાહનનો પીછો કરી રહી હતી.
પોલીસ ટીમને હાઈવે પર ડિવાઈડરના કિનારે શંકાસ્પદ આઈશર વાહન ઊભેલું જોવા મળ્યું હતું. પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી દિલીપ પુરીએ ત્વરિત કાર્યવાહી કરીને વાહનના ડ્રાઈવરને નીચે ઉતરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, પોલીસથી બચવા માટે ચાલાક ડ્રાઈવરે આઈશર વાહનને અચાનક ડિવાઈડર પર ચઢાવીને પૂરપાટ ઝડપે આગળ વધારી દીધું હતું. આ અફરાતફરી દરમિયાન વાહનનો પાછલુ ટાયર ઉચ્ચ પોલીસ અધિકારી ઉપરથી ફરી વળ્યું હતું.
આ ગોઝારી ઘટનામાં થાના પ્રભારી દિલીપ પુરી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના શરીરે ગંભીર ઈજાઓ થવાથી ભારે લોહી વહી ગયું હતું. તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોની ટીમે લગભગ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને સીપીઆર અને અન્ય ઈમરજન્સી ઉપચારો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમને બચાવી શકાયા ન હતા અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
-
વાહન મૂકીને ડ્રાઈવર ફરાર, પોલીસ તપાસ ચાલુ
ઘટનાને અંજામ આપ્યા બાદ આઈશરનો ચાલક વાહનને ડિવાઈડર કૂદાવીને બીજી બાજુ લઈ ગયો અને સન્દલપુર વિસ્તારમાં વાહન રોડ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તે વાહનને કબજે કરી લીધું છે અને સન્દલપુર પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યું છે. ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેવાસના એસપી આદિત્ય મિશ્રા સોમવારે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે જ ખાતેગામ પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
શહીદ થાના પ્રભારી દિલીપ કુમાર પુરીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમને તેમના વતન ધાર જિલ્લાના રાજોદ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા બરમંડળ ગામ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં સંપૂર્ણ પોલીસ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનો પરિવાર હાલ ઈન્દોર ખાતે રહેતો હતો. આકસ્મિક અને દુખદ ઘટનાથી પોલીસ બેડામાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે.


