શરીરને સ્વસ્થ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે વિટામિન C ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. વિટામિન C શરીરમાં કોલેજનના ઉત્પાદન, ઘા રૂઝાવવા, આયર્નને શરીરના અંગો સુધી પહોંચાડવા અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આપણું શરીર વિટામિન C ને સ્ટોર કરી શકતું નથી, તેથી રોજિંદા આહારમાં વિટામિન C થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો અનિવાર્ય છે. સપ્લિમેન્ટ્સ લેવા કરતાં જ્યુસ, ફળો અને શાકભાજી દ્વારા વિટામિન C ની ઉણપ પૂરી કરવી વધુ સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે. ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, સંતુલિત આહાર (બેલેન્સ ડાયેટ) ની સાથે નિયમિતપણે કેટલીક કુદરતી ચીજોનું સેવન કરવાથી વિટામિન C ની ઉણપ સર્જાતી નથી. આ માટે વિટામિન C થી ભરપૂર ફળો અથવા તેના રસને ડાયેટમાં અચૂક સામેલ કરવા જોઈએ:
- સંતરાનો જ્યુસ
વિટામિન C ના મુખ્ય અને કુદરતી સ્ત્રોતોમાં સંતરા સૌથી મોખરે છે. રોજ એક ગ્લાસ તાજા સંતરાનો રસ પીવાથી વિટામિન C ની દૈનિક જરૂરિયાત સરળતાથી પૂરી થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. આનો મહત્તમ લાભ મેળવવા હંમેશા તાજા સંતરાના જ્યુસનું જ સેવન કરવું, બજારમાં મળતા પેક્ડ કે ખાંડવાળા જ્યુસથી દૂર રહેવું.
-
આમળાનો રસ
તાજા આમળાનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે અને એકંદર સ્વાસ્થ્ય સુધરે છે. આમળા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. આમળાનો સ્વાદ તીખો અને ખાટો હોવાથી તેના જ્યુસમાં થોડું સંચળ (કાળું મીઠું) ઉમેરીને પી શકાય છે. અન્ય ફળોની સરખામણીમાં આમળામાં વિટામિન C નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
- જામફળની સ્મૂધી
ફળોમાં જામફળને વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જામફળને દૂધ અથવા દહીં સાથે મિક્સ કરીને સ્મૂધી બનાવીને સેવન કરવાથી શરીરને જબરદસ્ત ફાયદો થાય છે. ધ્યાન રાખવું કે આ સ્મૂધીમાં બહારની ખાંડ ઉમેરેલી ન હોવી જોઈએ. જામફળથી વિટામિન C ની સાથે ફાઈબર, પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ મળી રહે છે. બપોરના સમયે અથવા વર્કઆઉટ પછી આ સ્મૂધી પીવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
-
કીવી સ્મૂધી
કીવી પણ વિટામિન C થી ભરપૂર ફળ છે. જો તેમાં થોડી બ્લુબેરી મિક્સ કરીને સ્મૂધી બનાવવામાં આવે, તો વિટામિન C ની કમી દૂર થઈ જાય છે. કીવી, સ્ટ્રોબેરી અને અન્ય બેરીમાં કુદરતી રીતે વિટામિન C વધુ હોય છે. જ્યારે તેને સાદા દહીં અથવા પ્લાન્ટ-બેઝ્ડ દૂધ (જેમ કે બદામનું દૂધ) સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તેના પોષક ગુણો વધુ વધી જાય છે.
- લીંબુ પાણી
વિટામિન C ની ઉણપ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ ખૂબ જ કારગર છે. સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ તાજું લીંબુ પાણી પીવું એ વિટામિન C મેળવવાનો સૌથી સરળ રસ્તો છે. જો કે, માત્ર લીંબુ પાણીથી દૈનિક જરૂરિયાત પૂરી થતી નથી, તેથી તેની સાથે અન્ય ફળો પણ આહારમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય અનાનસ (પાઈનેપલ) નો રસ પીવાથી પણ થોડા પ્રમાણમાં વિટામિન C મળી રહે છે.








