ઈસ્લામાબાદ: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં પાકિસ્તાનનું વેપાર ખાધ 16 ટકા વધીને આશરે 15 અબજ યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનની નિકાસમાં ભારે સુસ્તી જોવા મળી છે, જ્યારે આયાત વધીને 26 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે. જુલાઈથી ઓક્ટોબર વચ્ચે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર વધીને 14.6 અબજ યુએસ ડોલર થઈ ગયું છે, જે ગત વર્ષની સરખામણીએ 2 અબજ ડોલર (16 ટકા) વધુ છે.
આયાતમાં કેટલો વધારો થયો?
સત્તાવાર આંકડાઓ અનુસાર, પ્રથમ ચાર મહિનામાં દેશની આયાત વધીને 26 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 2.9 અબજ ડોલર એટલે કે 12.5 ટકા વધુ છે. સેન્ટ્રલ બેંકનું અનુમાન છે કે ઊર્જા આયાત બિલમાં વધારો થવાને કારણે આ નાણાકીય વર્ષમાં કુલ આયાત વધીને 71 અબજ યુએસ ડોલર સુધી પહોંચી શકે છે. બીજી બાજુ, PBS એ જણાવ્યું કે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન કુલ નિકાસ વધીને 11.4 અબજ ડોલર રહી, જે ગગત વર્ષની સરખામણીએ માત્ર 890 મિલિયન ડોલર (8.5 ટકા) ની સામાન્ય વૃદ્ધિ દર્શાવે છે.
88 અબજ PKR ની સબસિડીની જોગવાઈ
સરકારે નિકાસને વધારવા માટે પૂરતા પ્રયાસો કર્યા છે જેથી વિદેશી લેણદારો પરની નિર્ભરતા ઘટાડી શકાય. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સરકારે મોટા નિકાસકારોને સસ્તા દરે ધિરાણ આપવા માટે 88 અબજ પાકિસ્તાની રૂપિયાની સબસિડીની જોગવાઈ કરી છે. સામાન્ય રીતે માસિક નિકાસ 2.5 અબજથી 3 અબજ ડોલરની આસપાસ રહે છે, અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો થવા છતાં નિકાસમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી.
નિકાસનું વાર્ષિક અનુમાન અને પડકારો
કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની રૂપિયો 276.66 PKR પ્રતિ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સરકારે આ નાણાકીય વર્ષમાં વસ્તુઓની નિકાસ 34 અબજ ડોલર રહેવાનું અનુમાન લગાવ્યું છે, જ્યારે ગગત વર્ષે આ આંકડો 30.8 અબજ ડોલર હતો. જો આ જ ગતિ રહી, તો પાકિસ્તાન 2029 માટે નિર્ધારિત 60 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ નહીં કરી શકે.
આ ભારે ખાધના મુખ્ય કારણોમાં આયાતમાં મોટો ઉછાળો (સરેરાશ 6.6 અબજ ડોલર પ્રતિ માસ) અને નિકાસમાં સુસ્તી (સરેરાશ 2.8 અબજ ડોલર પ્રતિ માસ) સામેલ છે. યોજના મંત્રી અહસાન ઇકબાલે અગાઉ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના કાર્યક્રમથી બચવા માટે નિકાસને 60 અબજ ડોલર સુધી લઈ જવી અનિવાર્ય શરત છે.








