Homeગુજરાતીદેશ-વિદેશલિથિયમ-આયન બેટરીના સ્ક્રેપની નિકાસ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

લિથિયમ-આયન બેટરીના સ્ક્રેપની નિકાસ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લિથિયમ-આયન બેટરીના બ્લેક માસ સહિત ચોક્કસ પ્રકારના બેટરીના કચરા અને સ્ક્રેપની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. વાણિજ્ય મંત્રાલય હેઠળના વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) દ્વારા આ અંગે 10 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણયથી સંબંધિત બેટરી સ્ક્રેપની નિકાસ નીતિમાં ‘મુક્ત’ શ્રેણીમાંથી બદલીને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશમાં બેટરી રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને લિથિયમ, કોબાલ્ટ, નિકલ તથા મેંગેનીઝ જેવા કિંમતી ખનિજોની સ્થાનિક સ્તરે પુનઃપ્રાપ્તિ વધારવાનો છે.

ઉલ્લેખનીય છે કે વપરાયેલી લિથિયમ-આયન બેટરીઓ તથા બેટરી ઉત્પાદન દરમિયાન નીકળતા કચરાને કાપીને અને પ્રક્રિયા કરીને જે કાળા રંગનો પાવડર તૈયાર થાય છે તેને ‘બ્લેક માસ’ કહેવામાં આવે છે. આ પાવડરમાં અનેક મૂલ્યવાન ખનિજો રહેલા હોય છે, જેની પ્રક્રિયા કરીને ફરીથી બેટરીના ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય છે.

ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા મહત્વના ખનિજો માટે હજુ પણ મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. બીજી તરફ, દેશમાં બેટરીના કચરાનું રિસાયક્લિંગ કરવાની ક્ષમતા વધી હોવા છતાં પૂરતા પ્રમાણમાં કાચો માલ ઉપલબ્ધ ન થવાને કારણે આ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. કેટલીક રિસાયક્લિંગ કંપનીઓને પોતાની જરૂરિયાત પૂરી કરવા વિદેશથી પણ બ્લેક માસ આયાત કરવો પડે છે.

સરકારના મતે, દેશમાં તૈયાર થતા બ્લેક માસની વિદેશમાં નિકાસ થવાથી કિંમતી ખનિજોનો લાભ અન્ય દેશોને મળે છે. હવે નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી આ સામગ્રીનો ઉપયોગ દેશની અંદર જ રિસાયક્લિંગ અને ખનિજોની પુનઃપ્રાપ્તિ માટે થઈ શકશે.

આ નિર્ણયથી સ્થાનિક રિસાયક્લિંગ એકમોને પૂરતો કાચો માલ મળશે, તેમની ઉત્પાદન ક્ષમતાનો વધુ સારો ઉપયોગ થશે તેમજ આ ક્ષેત્રમાં નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. સાથે જ ઇલેક્ટ્રિક વાહનો, બેટરી ઉત્પાદન, ઊર્જા સંગ્રહ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રની સપ્લાય ચેઇન પણ મજબૂત બનશે.

કેન્દ્ર સરકારની આ પહેલ આત્મનિર્ભર ભારત અને સર્ક્યુલર ઇકોનોમીના અભિગમને પણ વેગ આપશે. વપરાયેલી બેટરીમાંથી કિંમતી ખનિજો પાછાં મેળવવાથી નવા ખનિજોના ખાણકામ પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણને અનુકૂળ રિસાયક્લિંગને પ્રોત્સાહન મળશે.

આ નિર્ણય નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ સરકાર દ્વારા હાથ ધરાયેલી પહેલોને પણ પૂરક બનશે. ખાસ કરીને બેટરી અને ઇલેક્ટ્રોનિક કચરામાંથી મહત્વના ખનિજો મેળવવા માટે મંજૂર કરાયેલી રૂ. 1,500 કરોડની પ્રોત્સાહન યોજનાને તેનો લાભ મળવાની અપેક્ષા છે.

આમ, બેટરીના કચરાને માત્ર નિકાલ કરવાની વસ્તુ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને ભવિષ્યના ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે ઉપયોગી ખનિજોના સ્ત્રોત તરીકે વિકસાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img