લખનૌ, 13 નવેમ્બર 2026: ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારોની સિઝન પૂરી થતાં જ ડિસેમ્બરથી યુપીમાં ભાજપની ચૂંટણી પ્રવૃત્તિઓ ધમધમતી થશે. આ વખતે પ્રદેશ નેતૃત્વની સાથે કેન્દ્રીય નેતાઓ પણ ચૂંટણી રણનીતિમાં મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓની યુપી મુલાકાતો અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપે પ્રારંભિક તબક્કામાં મોટી રેલીઓ અને જનસભાઓને બદલે સંગઠનને મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. બૂથ સ્તરે પક્ષને સક્રિય કરવા, કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવા અને સ્થાનિક રાજકીય સમીકરણો સમજવાની યોજના તૈયાર કરાઈ છે. આ માટે સંગઠનાત્મક બેઠકો, કાર્યકર્તા સંમેલનો, ચોપાલ અને બૂથ મેનેજમેન્ટ સંબંધિત કાર્યક્રમો યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં ભાજપની ચૂંટણી તૈયારીઓની શરૂઆતી કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંભાળી શકે છે. પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં તેમણે યુપીમાં પોતાની સક્રિયતા વધારવાના સંકેતો આપ્યા હતા. ત્યારથી જ પ્રદેશ નેતૃત્વ તેમના પ્રવાસો અને સંગઠનાત્મક બેઠકોની તૈયારીમાં વ્યસ્ત છે. અમિત શાહ આ મહિને જ ઉત્તર પ્રદેશની મુલાકાતે આવી શકે છે. આ દરમિયાન જિલ્લા, મંડળ અને બૂથ સ્તરના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સંગઠનની તૈયારીઓનો તાગ મેળવવાની યોજના છે. ડિસેમ્બરથી તેમની સક્રિયતામાં વધુ વધારો થશે. આ બેઠકોમાં સંગઠનના માઈક્રો મેનેજમેન્ટ, કાર્યકરોની સક્રિયતા અને બૂથ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
-
અમિત શાહ પછી પીએમ મોદીના કાર્યક્રમોની તૈયારી
ભાજપની રણનીતિ મુજબ, શરૂઆતી સંગઠનાત્મક ગતિવિધિઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. પક્ષ પહેલા સંગઠનને ચૂંટણીવાતાવરણમાં લાવવા માગે છે, જેથી વડાપ્રધાનના કાર્યક્રમો દ્વારા અભિયાનને વ્યાપક સ્તરે આગળ ધપાવી શકાય. પીએમ મોદીની સભાઓ અને સંવાદ કાર્યક્રમો દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવા અને ચૂંટણી માહોલ ઊભો કરવાની યોજના છે. જોકે, હજુ સુધી તેમના કાર્યક્રમોની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા નથી. સંગઠનાત્મક તૈયારીઓ અને રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેનો નિર્ણય લેવામાં આવશે. ભાજપના શરૂઆતી ચૂંટણી અભિયાનમાં અમિત શાહની સંગઠનાત્મક બેઠકો અને ચોપાલોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ કાર્યક્રમો દ્વારા પક્ષ સંગઠન અને સરકારના કામકાજની સમીક્ષા કરશે. તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પાસેથી ફીડબેક લઈને પાયાના સ્તરની પડકારોને સમજવાનો પ્રયાસ થશે.
-
મોટી રેલીઓ પહેલા બૂથ પર ભાજપની નજર
ભાજપ હાલમાં મોટા ચૂંટણી આયોજનોને બદલે બૂથ સ્તરે પોતાની પકડ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પક્ષનું માનવું છે કે વિધાનસભા ચૂંટણીમાં વિજયનો રસ્તો મજબૂત બૂથ મેનેજમેન્ટ અને સક્રિય કાર્યકર નેટવર્કમાંથી પસાર થાય છે. એટલા માટે શરૂઆતી તબક્કામાં સ્થાનિક સ્તરે સંવાદ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને પ્રાથમિકતા અપાશે. આ સમગ્ર કવાયત દ્વારા ભાજપ સ્થાનિક રાજકીય સમીકરણો, જનતાના મુદ્દાઓ અને સંગઠનની જમીની સ્થિતિનું આકલન કરવા માંગે છે. ડિસેમ્બરથી શરૂ થનારી આ ગતિવિધિઓ આગામી સમયમાં મોટા ચૂંટણી કાર્યક્રમોનો પાયો બનશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મિશન-2027 અંતર્ગત ભાજપનું આ સંગઠનાત્મક અભિયાન ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેવો પ્રભાવ પાડે છે.








