લીમખેડા, 15 નવેમ્બર, 2026 – Janjatiya Gaurav Divas ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આજે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનજાતીય સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં પણ શ્રી વિશ્વકર્મા સહભાગી થયા હતા.

લીમખેડા અને દેવગઢ બારીયા વિધાનસભાના આ સંયુક્ત કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘જય જોહાર’ના નાદ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પવિત્ર અને ઐતિહાસિક દિવસ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવીને સમગ્ર જનજાતીય સમાજના ગૌરવ, અસ્મિતા અને યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.
આ પણ વાંચોઃ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીઃ અમદાવાદ જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15 નવેમ્બર, 1875ના રોજ ઝારખંડમાં સામાન્ય પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાનું જીવન ભલે માત્ર 25 વર્ષનું રહ્યું, પરંતુ તેમના વિચારો, સંઘર્ષ અને કાર્યો યુગો-યુગો સુધી દેશની જનતાને પ્રેરણા આપતા રહેશે. ભગવાન બિરસા મુંડાએ આપણી સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું જતન કરવાનું મહાન કાર્ય કર્યું હતું. માત્ર 16 વર્ષની વયથી ગામેગામ ફરીને જનજાતીય સમાજમાં સર્વ ધર્મ નિષ્ઠા, નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક એકતા અને સામાજિક જાગૃતિનું કાર્ય કર્યું હતું.
શ્રી વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે કેન્દ્રમાં છ દાયકા સુધી સત્તામાં રહીને જનજાતીય સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો હતો, પરંતુ આ સમાજના સાચા ઉત્થાન અને વિકાસ માટે ક્યારેય ગંભીર પ્રયાસો કર્યા નહોતા. બીજી તરફ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની સરકારે ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવાની સાથે જનજાતીય સમાજના ગૌરવ, ઓળખ અને અધિકારોને નવી ઓળખ અપાવી છે.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના 14 જિલ્લાઓમાં જનજાતીય સમાજ વસે છે. જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ જનજાતીય વિસ્તારોના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય વિકાસ માટે વિશેષ ચિંતા કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સાચું સન્માન અને સશક્તિકરણ આપવાનું કાર્ય કર્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજાતીય વિસ્તારોના દરેક ઘર સુધી પહોંચે તે માટે સરકાર અને ભાજપાનો કાર્યકર્તા સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જનજાતીય સમાજને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિશેષ ઉમેરાનો લાભ લઈને પોતાના ઘરોમાં સોલર પેનલ લગાવવા પણ અપીલ કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં દેશે ગરીબી નાબૂદી અને ગરીબોના ઉત્થાનની દિશામાં ઐતિહાસિક પ્રગતિ કરી છે. વર્લ્ડ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના 50 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. એક સમયે જનજાતીય વિસ્તારોમાં ઉચ્ચ આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોની અછત હતી, પરંતુ આજે ગુજરાતના 14 જનજાતીય જિલ્લાઓ પૈકી 12 જિલ્લાઓમાં મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ બની છે. આ પરિવર્તન ભાજપા સરકારની વિકાસલક્ષી નીતિ અને જનજાતીય સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

લીમખેડા તાલુકાના દુધિયા ખાતે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
લીમખેડા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરિયા, પ્રભારીશ્રી શશિકાંત પંડ્યા, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, લીમખેડાના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ સહિતના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જનજાતીય સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








