જોધપુર, 16 નવેમમ્બર 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સમાજમાં વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગ અને વિવિધ પ્રકારના વ્યસનો સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નશો માત્ર રાસાયણિક ડ્રગ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચા-કોફીની સાથેસાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આજની યુવા પેઢી માટે નશાનું જ એક સ્વરૂપ બની ગયા છે. દરેક પ્રકારનું વ્યસમ વ્યક્તિની સંવેદનશીલતા અને જાગરૂકતાને ઓછી કરે છે.
મોહન ભાગવત રાજસ્થાનના જોધપુરમાં આયોજિત ‘મરુ નિનાદ’ ઘોષ શિબિરના સમાપન સમારોહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સમાજમાં વ્યસનના અનેક રૂપો જોવા મળે છે. માત્ર કેમિકલ આધારિત ડ્રગ્સ જ નહીં, પરંતુ ચા-કોફીનું સેવન અને સોશિયલ મીડિયાનો અત્યાધિક ઉપયોગ પણ ગંભીર વ્યસન બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારના વ્યસનની લતનો શિકાર બને છે, ત્યારે તેની વિચારશક્તિ, સંવેદનશીલતા અને જાગરૂકતા પ્રભાવિત થાય છે. આ પ્રકારની બુરાઈઓની અસર માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ તેની સીધી વિપરીત અસર સમગ્ર સમાજ પર પડે છે.
-
જાતિ, ભાષા અને રાજ્યનો પણ હોય છે નશો
સામાજિક એકતા પર વિશેષ ભાર મૂકતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજકાલ લોકોને પોતાની જાતિ, ભાષા અને રાજ્યનો પણ એક પ્રકારનો નશો ચડી ગયો છે. વ્યક્તિએ આ પ્રકારની ઓળખ પ્રત્યે જરૂરિયાત કરતાં વધુ પડતો લગાવ રાખવાને બદલે હંમેશાં સમગ્ર સમાજની એકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. જે વ્યક્તિ આ તમામ પ્રકારના વ્યસનો અને સંકુચિત માનસિકતાથી દૂર રહે છે, તેનું જીવન હંમેશાં સુખી રહે છે. તેમણે ઉમેર્યું કે વ્યસન માણસને અચેતન બનાવી દે છે અને તેની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ પેદા કરે છે. આથી, સમગ્ર સમાજે એકજુટ થઈને દરેક પ્રકારના વ્યસન અને કુરીવાજોથી દૂર રહેવા માટે સક્રિય પ્રયાસો કરવા જરૂરી છે.
બ્રિટિશ શાસનની નીતિઓનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે જણાવ્યું કે, અંગ્રેજોએ જાણી જોઈને ભારતની મૂળ શિક્ષણ પદ્ધતિનો નાશ કર્યો હતો અને તેના બદલે પોતાની ગુલામી માનસિકતાવાળી શિક્ષણ વ્યવસ્થા અહીં લાદી દીધી હતી. જેના પરિણામે દેશના સમૃદ્ધ અને સધ્ધર લોકો પણ સમય જતાં ગરીબ બનતા ગયા. તેમણે કહ્યું કે અંગ્રેજો સારી રીતે સમજી ગયા હતા કે જ્યાં સુધી ભારતીયો જાગૃત અને સચેત રહેશે, ત્યાં સુધી તેમને હરાવવા અશક્ય છે. આ જ કારણસર તેમણે દેશને એક પ્રકારના ભ્રમ અને નશામાં ધકેલવાનો કુટિલ પ્રયાસ કર્યો હતો.
-
સામાજિક એકતા અને સામૂહિક પ્રયાસો પર ભાર
વર્તમાન પરિસ્થિતિઓને અત્યંત નાજુક ગણાવતા સંઘ પ્રમુખે આહ્વાન કર્યું કે, જો આજનો પૂરો સમાજ એકજુટ થઈને ખભે-ખભો મિલાવીને ઊભો થઈ જાય, તો ગમે તેવી વિકટ અને કઠિન પરિસ્થિતિનો પણ સામનો કરી શકાય છે. સંઘની કાર્યપદ્ધતિ ખૂબ જ સરળ છે; સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર સમાજને એક સૂત્રમાં પિરોવીને એક સંગઠિત શક્તિ તરીકે આગળ વધારવાનો છે. સામાજિક સમરસતા મજબૂત કરવા અને સમાજને તમામ પ્રકારની બુરાઈઓથી મુક્ત રાખવા માટે તેમણે સૌના સામૂહિક પ્રયાસોની અનિવાર્ય આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.








