
Diljit Dosanjh દિલજીત દોસાંઝની કોઈપણ ઇવેન્ટ હોય તે વિવાદ વગર પૂરી જ થતી હોતી નથી. દિલ્હીમાં જે ઇવેન્ટ થવાની છે તે ઇવેન્ટની પરમિશનનો વિવાદ હમણાં ઊભો થયો હતો. પરંતુ આજે સૌથી કિંમતી વિવાદ ઊભો થયો હતો તેની વાત કરવાની છે. મેટ ગાલા (Met Gala)ને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને આકર્ષક ફેશન ઇવેન્ટ ગણાય છે. પ્રખ્યાત ફેશન મેગેઝિન Vogue આ ઇવેન્ટનું આયોજન અને પ્રચાર કરે છે. ત્યાં ફેશન, ઇતિહાસ અને કલા એકસાથે ભેગા થઈને સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કરે છે. મેટ ગાલા 2025માં પહેલી વાર એક પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે પટિયાલા નેકલેસ પહેરવા ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કાર્ટિયરે આપવાનો ઈનકાર કર્યો. કારણ કે આજે પણ દુનિયાના સૌથી મોંઘા હીરા અને હાર માટે તે જાણીતો છે. તેને ચોરી થવાની શંકા કંપનીને હંમેશા હોય છે.
પરિણામે દિલજીતે જે નેકલેસ પહેર્યો તે હાર ભારતના જ્વેલર્સ દ્વારા બનાવેલો “inspired version” હતો. આને કારણે વિવાદ ઊભો થયો હતો. જ્યારે પાશ્ચાત્ય સેલિબ્રિટીને કાર્ટિયરએ હાર આપ્યો, ત્યારે ભારતીય કલાકારને કેમ આપવામાં ન આવ્યો?
ફેશન અને જ્વેલરીના ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માત્ર શણગાર પૂરતી મર્યાદિત નહીં રહેતી પરંતુ સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ અને સામાજિક ઓળખ સાથે ગાઢ રીતે જોડાઈ જતી હોય છે. એમાંની એક મહત્ત્વની વાર્તા છે કાર્ટિયરની અને ભારતીય મહારાજાઓના સંબંધની. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ચ જ્વેલરી હાઉસ કાર્ટિયરની સ્થાપના 1847માં Louis-François Cartier દ્વારા પેરિસમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ
કાર્ટિયરની વૈશ્વિક સફળતા જેક કાર્ટિયર અને તેમના ભાઈ લુઇસ, પીરે દ્વારા નવી ઊંચાઈ પર પહોંચી. જેક કાર્ટિયર 1911માં પહેલીવાર દિલ્હી દરબારમાં હાજરી આપવા ભારત આવ્યા. અહીં બ્રિટિશ શાસકોએ રાજાઓ અને મહારાજાઓ માટે વિશાળ સમારંભ યોજ્યો. કાર્ટિયર માટે આ એક અનોખો મોકો હતો, કારણ કે એક જ સ્થળે અનેક સંભવિત ગ્રાહકો સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો. દરબાર પછી કાર્ટિયરને અનેક રાજવીઓ દ્વારા આમંત્રણ મળ્યા. ભારતીય મહારાજાઓ પાસે પ્રચંડ ધનસંપત્તિ, ખાણોમાંથી મળેલા કિંમતી રત્નો અને વૈશ્વિક સ્તરે ખરીદી કરવાની ક્ષમતા હતી. કાર્ટિયર માટે આ માત્ર વેપારનો અવસર નહોતો, પરંતુ સર્જનાત્મક પડકાર પણ હતો. કાર્ટિયરની કળા અને ભારતીય રાજાની વૈભવી પસંદગીઓ ‘એક દુજે કે લિયે’ થઈ ગયા. સૌથી પ્રસિદ્ધ રચનાઓમાં પટિયાલા નેકલેસ, કપૂરથલાના મહારાજાનું ટર્બન ઓર્નામેન્ટ (117 કેરેટના વિશાળ પન્ના સાથે) અને નવાનગરના મહારાજાનો હીરાનો હારબંધ નેકલેસ (રંગીન હીરાઓની અદ્વિતીય ઝરણાં જેવી રચના) દુનિયાભરમાં જાણીતા છે.
પટિયાલાના શાસક મહારાજા ભૂપેન્દ્રસિંહ (1891–1938), તેમના વૈભવ અને ભવ્ય જીવનશૈલી માટે જાણીતા હતા. કાર્ટિયર સાથેનો તેમનો સંબંધ 1920ના દાયકામાં શરૂ થયો. 1928માં કાર્ટિયરએ તેમના માટે તૈયાર કરેલો પટિયાલા નેકલેસ વિશ્વ ઇતિહાસના સૌથી પ્રખ્યાત આભૂષણોમાંનો એક ગણાય છે. આ હારમાં આશરે 2,930 હીરા અને અસંખ્ય કિંમતી રત્નો જડાયેલા હતા. કેન્દ્રમાં હતો 234.69 કેરેટનો પીળો હીરો, જેને ‘ડી બીયર્સ યલો ડાયમંડ’ કહેવામાં આવ્યો. તે સમયનો વિશ્વનો સાતમો સૌથી મોટો હીરો ગણાતો. પટિયાલા નેકલેસ ફક્ત જ્વેલરી નહિ, પણ ભારતની રાજાશાહી શક્તિ, વૈભવ અને કાર્ટિયરની કળાનું પ્રતીક બની ગયો.
કાર્ટિયરે આ નેકલેસમાં મુગલ શૈલીના પન્ના, બાંધણી મીનાકારી, બારીક કારીગરી વાળું ઘડતર અને Art Deco શૈલીને ભેગું કરવાનું અનોખું કામ કર્યું. ભારતીય રાજાઓ માટે તૈયાર થયેલા આભૂષણો માત્ર શણગાર નહોતા. તેઓ રાજકીય શક્તિ, વૈશ્વિક પ્રતિષ્ઠા અને પાત્રના વ્યક્તિત્વનું પ્રતીક હતા. ભારતની સ્વતંત્રતા પછી, 1948માં પટિયાલા નેકલેસ અચાનક રાજવી ખજાનામાંથી ગુમ થઈ ગયો. ઘણા વર્ષો સુધી તેના રત્નો અને હાર કયા છે તેની કોઈ જાણકારી ન હતી.
1982માં Sotheby’s હરાજીમાં હારનો મુખ્ય પીળો હીરો, ડી બીયર્સ યલો ડાયમંડ વેચાણ માટે આવ્યો. 1998માં લંડનની એક એન્ટીક દુકાનમાં પટિયાલા નેકલેસની કેટલીક ફ્રેમ અને કડીઓ મળી આવી. તેમાં મોટાભાગના રત્નો ગાયબ હતા, ફક્ત હારની ધાતુની બંધાણી (platinum setting) જ બચેલી હતી. કાર્ટિયરે એ ખરીદી લીધી.
કાર્ટિયરે આ હારને જોડવાનું કામ શરૂ કર્યું. મુખ્ય હીરા અને કેટલાક રત્નો ખોવાયા હોવાથી, ખાલી જગ્યા ભરવા માટે Cubic Zirconia અને synthetic gemstonesનો ઉપયોગ થયો. આ રેપ્લિકા વર્ઝન આજે કાર્ટિયરના હાઈ જ્વેલરી આર્કાઈવ્ઝમાં સાચવીને રાખેલો છે. છે. 2022માં મેટ ગાલામાં એમા ચેમ્બરલેનને કાર્ટિયરે આ રેપ્લિકા પહેરવા માટે આપી હતી પરંતુ જ્યારે 2025માં દિલજીત દોસાંઝે માગણી કરી ત્યારે તેને ના પાડવામાં આવી. કાર્ટિયરે તેમને જે હાર પહેરવવામાં આપ્યો તે ગોલ્ચા જવેલ્સ દ્વારા બનાવેલો હાર હતો.અસલી હાર નહીં.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








