Homerevoinews17 નવેમ્બરની રાત્રે આકાશ તરફ પ્રકાશ ફેંકવાનું ભૂલતા નહીં, જાણો શું મહત્ત્વ...

17 નવેમ્બરની રાત્રે આકાશ તરફ પ્રકાશ ફેંકવાનું ભૂલતા નહીં, જાણો શું મહત્ત્વ છે?

  • આજે રાત્રે અવકાશમાં માનવસર્જિત ઇતિહાસનું સૌથી દૂરનું યાન વોયેજર-1 પૃથ્વીથી એક પ્રકાશદિવસ જેટલું અંતર કાપી લેશે!

વાત છે NASAના વોયેજર-1 અવકાશયાનની. 5 સપ્ટેમ્બર, 1977ના રોજ પૃથ્વી પરથી અવકાશમાં રવાના થયેલું આ યાન લગભગ પાંચ દાયકાથી સતત પોતાની સફર કરી રહ્યું છે. આજે તે માનવજાત દ્વારા બનાવવામાં આવેલી સૌથી દૂરની વસ્તુ છે. 18 નવેમ્બર, 2026ના રોજ તે પૃથ્વીથી એટલું દૂર પહોંચી જશે કે પૃથ્વી પરથી નીકળેલા પ્રકાશને પણ ત્યાં પહોંચતાં પૂરા 24 કલાક લાગશે! પ્રકાશની ઝડપ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આમ એક પ્રકાશદિવસ એટલે પ્રકાશ 24 કલાકમાં કાપે તે અંતર, જે આશરે 25.9 અબજ કિલોમીટર થાય છે. કલ્પના કરો કે જે પ્રકાશને પૃથ્વીથી વોયેજર-1 સુધી પહોંચતાં આખો દિવસ લાગે છે, ત્યાં સુધી માનવજાતે પોતાનું એક નાનકડું યાન મોકલ્યું છે!

Don't forget to shine a light towards the sky on the night of November 17th—find out why it's significant

આ ઘટનાનું મહત્ત્વ સમજવા માટે થોડું પાછળ જવું પડશે. 1977માં NASAએ વોયેજર-1 અને વોયેજર-2 નામનાં બે અવકાશયાનો મોકલ્યાં હતાં. તે સમયે સૌરમંડળના બાહ્ય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો અભ્યાસ કરવાની એક દુર્લભ તક ઊભી થઈ હતી. આશરે દર 176 વર્ષે આ ગ્રહો એવી અનુકૂળ સ્થિતિમાં આવે છે કે એક જ અવકાશયાન દ્વારા ગુરુત્વાકર્ષણની મદદથી એક પછી એક ગ્રહોની મુલાકાત લઈ શકાય. આ તકનો લાભ લઈને NASAએ બે યાનો તૈયાર કર્યાં. આ બંને યાનોએ ગુરુ અને શનિ સહિત બાહ્ય ગ્રહો વિશે માનવજાતને અદ્ભુત માહિતી આપી. વોયેજર-2એ તો યુરેનસ અને નેપ્ચ્યુનની પણ મુલાકાત લીધી. ત્યાર પછી બંને યાનોએ સૌરમંડળની બહારની દિશામાં પોતાની સફર ચાલુ રાખી. વોયેજર-1 વર્ષ 2012માં અને વોયેજર-2 વર્ષ 2018માં સૂર્યના પ્રભાવક્ષેત્રની બહાર આવેલા આંતરતારાકીય અવકાશમાં પ્રવેશ્યાં. આજે પણ બંને યાન ત્યાંના પર્યાવરણ વિશે વૈજ્ઞાનિક માહિતી મોકલી રહ્યાં છે.

આટલી લાંબી સફર દરમિયાન બંને યાનોએ માનવજાત માટે અનેક ઐતિહાસિક સંદેશા પણ સાથે રાખ્યા છે. તેમાં સૌથી રોમાંચક છે ‘ગોલ્ડન રેકોર્ડ’. આ સોનાની પરત ચડાવેલી ખાસ ડિસ્કમાં પૃથ્વી પરના વિવિધ અવાજો, સંગીત, કુદરતી ધ્વનિઓ, વિવિધ ભાષાઓમાં શુભેચ્છા સંદેશા અને માનવ સંસ્કૃતિની ઓળખ સમાન તસવીરોની માહિતી સંગ્રહિત કરવામાં આવી છે. જાણે માનવજાતે બ્રહ્માંડમાં ક્યાંક વસતા અજાણ્યા બુદ્ધિશાળી જીવો માટે પોતાનો પરિચય મોકલ્યો હોય! આ રેકોર્ડમાં મોર્સ કોડમાં એક લેટિન વાક્ય પણ કોતરવામાં આવ્યું છે – ‘Ad astra per aspera’, જેનો અર્થ થાય છે, ‘સંઘર્ષ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈને તારાઓ સુધી પહોંચવું.’ ખરેખર, વોયેજરની સફર માટે આના કરતાં સુંદર સૂત્ર બીજું કયું હોઈ શકે?

આ પણ વાંચોઃ દિલજીત દોસાંઝનો પટિયાલા નેકલેસનો વિવાદ ખૂબ જાણીતો છે

હવે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી માટે NASAએ એક અત્યંત રસપ્રદ વિચાર રજૂ કર્યો છે. આ કાર્યક્રમનું નામ છે – ‘Shine Bright for Voyager’s Light-Day’. 17 નવેમ્બરની સાંજે સૂર્યાસ્ત પછી દુનિયાભરના લોકોને પોતાની ટોર્ચ, મોબાઇલ ફોન, સાઇકલની લાઇટ કે અન્ય પ્રકાશના સાધન દ્વારા આકાશ તરફ સંકેત મોકલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંકેત કોઈ સામાન્ય પ્રકાશનો નહીં, પરંતુ મોર્સ કોડમાં ‘VGR’નો હશે. VGR એટલે Voyagerનું સંક્ષિપ્ત કોલ સાઇન. NASAએ આ માટે ખાસ વેબસાઇટ પણ તૈયાર કરી છે, જ્યાં મોબાઇલ કે ટેબ્લેટની સ્ક્રીન દ્વારા આપોઆપ પ્રકાશના સંકેતો આપી શકાય છે. આ રીતે પૃથ્વીના વિવિધ દેશોમાંથી એકસાથે પ્રકાશની એક પ્રતીકાત્મક લહેર ઊભી કરવાનો પ્રયાસ છે.

જો તમે જાતે મોર્સ કોડ દ્વારા આ સંકેત મોકલવા માગતા હો તો તે પણ ખૂબ સરળ છે. મોર્સ કોડમાં ટૂંકા પ્રકાશને ડોટ અને લાંબા પ્રકાશને ડેશ કહેવામાં આવે છે. V માટે ત્રણ ટૂંકા અને એક લાંબો પ્રકાશ આપવાનો છે. G માટે બે લાંબા અને એક ટૂંકો પ્રકાશ, જ્યારે R માટે એક ટૂંકો, એક લાંબો અને ફરી એક ટૂંકો પ્રકાશ આપવાનો છે. એટલે V-G-Rનો આખો સંકેત તૈયાર થઈ જાય છે. આ રીતે આશરે એક મિનિટ સુધી પ્રકાશના સંકેતો આપીને તમે પણ આ વૈશ્વિક ઉજવણીનો ભાગ બની શકો છો. NASAએ લોકોને આ પ્રસંગના ફોટા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર @NASAને ટૅગ કરીને શેર કરવા પણ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આટલાં વર્ષો પછી પણ વોયેજર યાનો કામ કરી રહ્યાં છે. અબજો કિલોમીટર દૂર હોવા છતાં પૃથ્વી પરના વૈજ્ઞાનિકો તેમની સાથે સંપર્ક જાળવી રાખે છે. જોકે હવે ઊર્જા મર્યાદિત હોવાથી યાનનાં કેટલાંક વૈજ્ઞાનિક સાધનો બંધ કરવામાં આવી રહ્યાં છે, જેથી બાકી રહેલાં સાધનો શક્ય તેટલાં લાંબા સમય સુધી કામ કરતાં રહે. પૃથ્વી પરથી મોકલવામાં આવતો સંદેશ વોયેજર સુધી પહોંચતાં લગભગ એક દિવસ લે છે અને ત્યાંથી પાછો સંદેશ પૃથ્વી સુધી પહોંચતાં પણ લગભગ એક દિવસ લાગે છે. એટલે એક પ્રશ્નનો જવાબ મેળવવામાં જ લગભગ બે દિવસ પસાર થઈ શકે છે!

જરા વિચારો, 1977માં જ્યારે આ યાનો અવકાશમાં મોકલવામાં આવ્યાં ત્યારે આજની જેમ અદ્યતન સ્માર્ટફોન, ઇન્ટરનેટ કે કૃત્રિમ બુદ્ધિની ટેક્નોલોજી નહોતી. તેમ છતાં તે સમયના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ એવી અદ્ભુત ટેક્નોલોજી બનાવી કે જે લગભગ અડધી સદી પછી પણ અબજો કિલોમીટર દૂરથી માનવજાતને બ્રહ્માંડનાં રહસ્યો સમજવામાં મદદ કરી રહી છે.

આપણે કદાચ ક્યારેય વોયેજર-1 સુધી પહોંચી શકીશું નહીં, પરંતુ 17 નવેમ્બરની રાત્રે હાથમાં એક નાનકડી ટોર્ચ લઈને તેના નામે પ્રકાશનો સંકેત જરૂર મોકલી શકીશું. એ પ્રકાશ વાસ્તવમાં વોયેજર સુધી પહોંચવાનો નથી, પરંતુ એ માનવજાતની જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને અદમ્ય સાહસનું પ્રતીક બની રહેશે.

એક નાનકડા યાનમાં સમાયેલી માનવજાતની મહાન આશાઓ આજે પૃથ્વીથી એક પ્રકાશદિવસ દૂર પહોંચી રહી છે. કદાચ આ જ વિજ્ઞાનની સૌથી સુંદર વાત છે. આપણે ભલે પૃથ્વી પર હોઈએ છીએ, પરંતુ આપણી કલ્પનાઓ અને સંશોધનની પાંખો આપણને બ્રહ્માંડની સીમાઓ સુધી લઈ જાય છે.

ભાગ લેવા માટેની NASAની વેબસાઇટ: https://science.nasa.gov/specials/apps/voyager-one-light-day/

મોર્સ કોડમાં આપોઆપ પ્રકાશના સંકેત મોકલવા: https://go.nasa.gov/vgr

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img