Homeગુજરાતીટેકનોલોજીહવે માસૂમ બાળકો પણ બની રહ્યા છે AI ના દુરુપયોગનો શિકાર, ડીપફેક...

હવે માસૂમ બાળકો પણ બની રહ્યા છે AI ના દુરુપયોગનો શિકાર, ડીપફેક અને ન્યૂડિફાય એપથી વધી ચિંતા

નવી દિલ્હી, 16 નવેમ્બર 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, તેટલી જ ખતરનાક રીતે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. હવે આ ખતરો માસૂમ બાળકો સુધી પહોંચી ગયો છે. બાળકોના ઓનલાઈન યૌન શોષણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ગુનેગારો હવે ‘ડીપફેક’ અને ‘ન્યૂડિફાય’ જેવી એપ્સનો ઉપયોગ કરીને બાળકોના સામાન્ય ફોટોગ્રાફ્સને અશ્લીલ તસવીરોમાં બદલી રહ્યા છે અને તેનો ઉપયોગ બ્લેકમેલિંગ તેમજ યૌન ઉત્પીડન માટે કરી રહ્યા છે. એક તાજા અભ્યાસ મુજબ, એઆઈ દ્વારા તૈયાર કરાયેલી બાળ યૌન શોષણ સામગ્રીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 8400 ટકાથી વધુનો તોતિંગ વધારો નોંધાયો છે.

એડિનબર્ગ સ્થિત ‘ચાઇલ્ડલાઇટ-ગ્લોબલ ચાઇલ્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ’ ના સંશોધનમાં આ ખૌફનાક વાસ્તવિકતા સામે આવી છે. એઆઈ સાથે જોડાયેલી ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝની રિપોર્ટ્સ વર્ષ 2023 માં આશરે 4700 હતી, જે વધીને વર્ષ 2025 માં 4 લાખને વટાવી ગઈ છે. આ અભ્યાસમાં અમેરિકન નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનને ટેક કંપનીઓ તરફથી મોકલવામાં આવેલી રિપોર્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ગુનેગારો એવી એઆઈ આધારિત એપ્સનો સહારો લઈ રહ્યા છે, જેના દ્વારા કોઈપણ બાળકના સામાન્ય ફોટોને આર્ટિફિશિયલ રીતે અશ્લીલ બનાવી શકાય છે. તસવીર વાસ્તવિક ન હોવા છતાં તેનો ઉપયોગ બાળકને ડરાવવા, ધમકાવવા, નાણાં પડાવવા કે વધુ તસવીરો મેળવવા માટે કરવામાં આવે છે. આ રીતે ડીપફેક ટેકનોલોજી બાળકો માટે ઓનલાઈન શોષણનું એક નવું હથિયાર બની રહી છે.

  • નિષ્ણાતો અને વૈશ્વિક સંસ્થાઓની ગંભીર ચેતવણી

‘ધ ગાર્ડિયન’ના અહેવાલ મુજબ, ચાઇલ્ડલાઇટના ગ્લોબલ ડેટા ડિરેક્ટર પ્રોફેસર ડેબી ફ્રાઈએ જણાવ્યું છે કે, આ આંકડા બાળકોના યૌન શોષણના બદલાતા અને ભયાનક સ્વરૂપને દર્શાવે છે. તેમણે તમામ દેશોની સરકારો અને ટેકનોલોજી કંપનીઓને આ ખતરાને ગંભીરતાથી સમજીને વધુ સારા ડેટા એકત્રિત કરવા અને તેની રોકથામ માટે તાત્કાલિક કડક પગલાં લેવાની અપીલ કરી છે. આ દરમિયાન, ઇન્ટરનેટ વૉચ ફાઉન્ડેશનએ પણ એઆઈ યુક્ત બાળ યૌન શોષણ સામગ્રીમાં તીવ્ર વધારો થવાની પુષ્ટિ કરી છે. સંગઠન અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ છ માસમાં જ તેણે આવી 6310 તસવીરોની તપાસ કરી છે, જે બાળકોના યૌન શોષણની કાનૂની વ્યાખ્યામાં આવે છે. આ આંકડો સમગ્ર વર્ષ 2025 દરમિયાન નોંધાયેલી 4512 તસવીરો કરતાં લગભગ 40 ટકા વધુ છે.

વળી, યુનિસેફ દ્વારા ફેબ્રુઆરી 2026 માં જાહેર કરાયેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, 11 દેશોમાં કરાયેલા એક અભ્યાસ દરમિયાન ઓછામાં ઓછા 12 લાખ બાળકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં તેમના ફોટોગ્રાફ્સને યૌન રૂપે આપત્તિજનક ડીપફેકમાં બદલવામાં આવ્યા હતા. યુનિસેફે સ્પષ્ટ કર્યું છે કે એઆઈ દ્વારા બનાવવામાં આવેલી આવી નકલી તસવીરો પણ બાળકોના શોષણનું વાસ્તવિક સ્વરૂપ જ છે અને તેના કારણે પીડિત બાળકોને ગંભીર માનસિક તથા સામાજિક આઘાત સહન કરવો પડે છે.

  • ભારતમાં કાયદો વધુ કડક: વાંધાજનક કન્ટેન્ટ 2 કલાકમાં હટાવવું પડશે

આ વૈશ્વિક ચિંતા વચ્ચે ભારત સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. ફેબ્રુઆરી 2026 માં લાગુ કરાયેલા આઈટી નિયમોના સંશોધનો અંતર્ગત, ડીપફેક અને એઆઈ-સર્જિત બાળ યૌન શોષણ સામગ્રી સહિતની ગેરકાયદેસર સામગ્રીને તાત્કાલિક હટાવવા માટે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓની જવાબદારી વધુ સખત બનાવવામાં આવી છે. નવા નિયમો મુજબ, કેટલીક અત્યંત સંવેદનશીલ સામગ્રી અંગે ફરિયાદ મળ્યા બાદ તેને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે માત્ર બે કલાકની ટાઈમ લાઈન નક્કી કરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img