Homeગુજરાતીદેશ-વિદેશભારત-જાપાન બેઠક: સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મોટા કરાર, જયશંકરનો જાપાનને ખાસ સંદેશ

ભારત-જાપાન બેઠક: સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મોટા કરાર, જયશંકરનો જાપાનને ખાસ સંદેશ

ટોક્યો, 20 નવેમ્બર 2026: જાપાનની રાજધાની ટોક્યોના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે જાપાની ઉદ્યોગપતિઓને ભારત પ્રત્યેની પોતાની જૂની માનસિકતા અને વિચારસરણી બદલવા અનુરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતના અર્થતંત્રમાં ઝડપથી મોટા પરિવર્તનો આવ્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા તથા ભાગીદારી સતત વધી રહી છે.

‘રાયસીના ટોક્યો ૨૦૨૬’ કાર્યક્રમમાં સંબોધન આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ બાદ ભારતમાં વ્યાપક બદલાવ આવ્યા છે, તેથી વિશ્વએ ભારત અંગેની પોતાની જૂની ધારણા બદલવી જોઈએ. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ૨૦૧૪ પછી થયેલા સુધારાઓને કારણે ભારતમાં વેપાર-વાણિજ્ય કરવું અગાઉ કરતાં ઘણું સરળ અને ઝડપી બન્યું છે.

વિદેશ મંત્રીનો ત્રણ દિવસીય જાપાન પ્રવાસ

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વિદેશ મંત્રી એસ. જયશંકર ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન જાપાનના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મળીને જાપાનના વિદેશ મંત્રી તોશિમિતસુ મોતેગી અને સંરક્ષણ મંત્રી શિનજિરો કોઇઝુમી સાથે બેઠક યોજી હતી. આ ચારેય નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે યોજાયેલી ચોથી ‘૨+૨’ (વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય) બેઠકમાં ભાગ લીધો હતો.

ભારત અને જાપાનના મંત્રીઓએ સંરક્ષણ અને આર્થિક સુરક્ષાના ક્ષેત્રમાં બે મહત્વપૂર્ણ પગલાં પર સંમતિ વ્યક્ત કરી છે. હવે જાપાનની સેના (જાપાન સેલ્ફ-ડિફેન્સ ફોર્સીસ) ભારતની ફાયરિંગ રેન્જનો ઉપયોગ કરી શકશે. આ અંગે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનું બંને દેશોના મંત્રીઓએ સ્વાગત કર્યું છે.

કયા ક્ષેત્રો પર રહ્યું વિશેષ ધ્યાન?

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના જાપાની સમકક્ષ તોશિમિતસુ મોતેગી સાથે ૧૯મી વિદેશ મંત્રી-સ્તરીય વ્યૂહાત્મક વાટાઘાટો પણ કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ પરસ્પર વિશ્વાસ અને લોકતાંત્રિક મૂલ્યોના આધારે ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ હિંદ-પ્રશાંત (ઈન્ડો-પેસિફિક) ક્ષેત્રમાં શાંતિ અને મુક્ત વાતાવરણ જાળવી રાખવાનો સંકલ્પ લીધો હતો.

વાટાઘાટો દરમિયાન આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ અને આધુનિક મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સંયુક્ત રીતે કામ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, બંને મંત્રીઓએ ભારતમાં જાપાની રોકાણ વધારવા તેમજ માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર), પરિવહન (મોબિલિટી) અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવવાની સમીક્ષા પણ કરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img