નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2026: ભારતમાં સ્ટારલિંક, વનવેબ અને રિલાયન્સ જીઓ જેવી અગ્રણી કંપનીઓ દ્વારા સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સેક્રેટરીઓની સમિતિએ સેટેલાઈટ સ્પેક્ટ્રમ ફાળવણી અંગે ‘ટ્રાઈ’ ની ભલામણોને મંજૂરી આપી દીધી છે. અગાઉ આ મામલે ડિજિટલ કમ્યુનિકેશન કમિશનની બેઠક પણ યોજાઈ હતી. જોકે, આ સમગ્ર પ્રસ્તાવના અમલીકરણ માટે સરકારે હવે કેબિનેટની અંતિમ મંજૂરી લેવી પડશે.
ગત વર્ષે ટ્રાઈ દ્વારા સેટેલાઈટ સ્પેક્ટ્રમ ફાળવણીને લઈને ભલામણો સોંપવામાં આવી હતી, જેને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી અંતર્ગત ટેલિકોમ અને સેટેલાઈટ કંપનીઓને 5 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. બદલામાં કંપનીઓએ તેમની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ના 5 ટકા હિસ્સા જેટલો સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ (SUC) ચૂકવવો પડશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ માટે આ એસયુસી ચાર્જ પ્રમાણમાં ઓછો રાખવામાં આવશે, જેથી ડિજિટલ ક્ધટેક્ટિવિટીને વેગ મળી શકે. સરકારની આ નવી નીતિથી ભારતના રિમોટ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થવાનો રસ્તો સાફ થશે, જેનાથી દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવશે.


