અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2026: ભારતીય રેલવના ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે, અને દેશવાસીઓનું હાઈ-સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરવાનું સ્વપ્ન હવે સાકાર થવાની નજીક છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે તેના સૌથી નિર્ણાયક અને આખરી તબક્કામાં પહોંચી ગયો છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ, પ્રોજેક્ટનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને પરીક્ષણ માટેનો પહેલો બુલેટ ટ્રેન કોચ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આગામી વર્ષ એટલે કે મે 2027માં દેશના પાટા ઉપર બુલેટ ટ્રેનનું પ્રાયોગિક પરીક્ષણ (ટ્રાયલ) શરૂ થઈ જશે.
ભારત માત્ર વિદેશી ટેકનોલોજી પર નિર્ભર નથી, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ દેશની પોતાની સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન પણ વિકસાવવામાં આવી રહી છે. રેલમંત્રીએ જણાવ્યું કે જાપાનમાં બુલેટ ટ્રેનના કોચ તૈયાર થવાની સાથે સાથે ભારતીય સ્વરૂપ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. ભારત પોતાની પહેલી સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન બનાવી રહ્યું છે જેને ‘B-28’ કોડનેમ આપવામાં આવ્યું છે. ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા BEML લિમિટેડને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેથી મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા વધુ મજબૂત બની છે.
-
માત્ર 2કલાકમાં મુંબઈથી અમદાવાદનું અંતર
મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના અંતરને કાપવામાં હાલ 6 થી 8 કલાકનો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ મુસાફરી ઘટીને માત્ર 2 કલાકની થઈ જશે. આ ટ્રેનને 250 થી 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે, જ્યારે ટ્રેકને 350 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા સુરતથી બિલીમોરા સેક્શન પર ઓપરેશન શરૂ થશે, જ્યારે ઓગસ્ટ 2027 સુધીમાં સમગ્ર કોરિડોર જનતા માટે ખુલ્લો મુકવાની પૂરી સંભાવના છે.
-
12 આધુનિક સ્ટેશનોનું નિર્માણ અને બીકેસી અંડરગ્રાઉન્ડ સ્ટેશન
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીથી પસાર થશે. આ રૂટ પર કુલ 12 આધુનિક સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે, જેમાં મુંબઈનું બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સૌથી મહત્વનું છે કારણ કે અહીં દેશનું પહેલું અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે. આ સિવાય થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ અને અમદાવાદ થઈને ટ્રેન સાબરમતી સુધી પહોંચશે.


