આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાથી નારાજ, રાજ્યસભામાં તેમનું કદ ઘટાડી દીધું
નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026: Raghav Chadha રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ અશોક મિત્તલ પક્ષના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને જણાવ્યું છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પક્ષના નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. એટલે કે હવે રાજ્યસભામાં તેમના બોલવાના સમય પર પણ કાતર ચાલશે.
સંસદમાં જનહિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા
મીડિયા અહેવાલો અનુસાર સંસદમાં તેમને બોલવા માટે ફાળવવામાં આવેલા સમયમાં પણ ઘટાડો થવાનો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢા સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવી રહ્યા હતા, જેમાં એરપોર્ટ પર 10 રૂપિયાની ચા થી લઈને ડિલિવરી બોયઝના પ્રશ્નો સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ બાબતો પાર્ટી સુપ્રીમોને પસંદ પડી નથી અને તેથી ચઢ્ઢાની સામે આવું પગલું લેવામાં આવ્યું છે.
AAP Sources: Aam Aadmi Party has informed the Rajya Sabha Secretariat that MP Raghav Chadha should not be allotted time to speak in Parliament. Further, the Aam Aadmi Party has submitted a letter to Rajya Sabha Secretariat to appoint MP Ashok Mittal as Deputy Leader of the party… pic.twitter.com/DquyHSze5P
— Press Trust of India (@PTI_News) April 2, 2026
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, રાઘવ ચઢ્ઢા પક્ષ સાથે ચર્ચા કર્યા વગર કેટલાક મુદ્દા પર બોલી રહ્યા હતા. તેઓ રાજ્યસભામાં કયા મુદ્દાઓ પર વાત રાખવાના છે તેની જાણકારી પણ પક્ષને આપતા નહોતા. આમ આદમી પાર્ટીએ આ અંગે તેમને ચેતવણી પણ આપી હતી. જોકે, પક્ષ તરફથી હજુ સુધી તેમની સામે લેવાયેલા પગલાં પાછળનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ આ નિર્ણય પાછળ અનુશાસનહીનતા અને પક્ષની લાઇન મુજબ કામ ન કરવું તે કારણ હોઈ શકે છે.
ચઢ્ઢા કેમ અંટાયા?
રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીની લાઇન કરતા અલગ વાત કરે છે. એટલું જ નહીં, તાજેતરમાં જ્યારે ‘આપ’ના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા દારૂ કૌભાંડના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા, ત્યારે પણ રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું.


