મેલબોર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં લગાનનું સ્પેશિયલ સ્ક્રીનિંગ, આમિર ખાન આપશે હાજરી
મેલબોર્ન, 1 જુલાઈ 2026: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે સુપરસ્ટાર આમિર ખાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત ‘ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન’ (IFFM) ની 17મી આવૃત્તિમાં ખાસ હાજરી આપવા માટે તૈયાર છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર આમિર ખાન પોતાની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘લગાન’ના સ્પેશિયલ સ્ક્રીનિંગના પ્રસંગે ઉપસ્થિત રહેશે, જેની સત્તાવાર જાહેરાત ફેસ્ટિવલના આયોજકો દ્વારા કરવામાં આવી છે. ભારતની સરહદો બહાર ભારતીય સિનેમાનો સૌથી મોટો ઉત્સવ ગણાતા આ ફેસ્ટિવલનું આયોજન આગામી 13 થી 23 ઓગસ્ટ દરમિયાન મેલબોર્નમાં કરવામાં આવશે.
આ વર્ષના ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણોમાં, 9 જુલાઈના રોજ યોજાનારા પ્રારંભિક કાર્યક્રમ (કર્ટન રેઝર) માં ‘લગાન’ ફિલ્મની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આશુતોષ ગોવારીકરના નિર્દેશનમાં બનેલી આ પીરિયડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક માઇલસ્ટોન માનવામાં આવે છે, જેને પ્રતિષ્ઠિત ઓસ્કર (એકેડેમી એવોર્ડ્સ) માં ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. મળતી માહિતી મુજબ, આમિર ખાન મેલબોર્નના પ્રખ્યાત ‘ACMI સિનેમા’ ખાતે યોજાનારા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભાગ લેશે અને આ સાથે જ આ વર્ષના સિનેમા ઉત્સવની સત્તાવાર શરૂઆત પણ કરાવશે.
ફેસ્ટિવલ ડાયરેક્ટર મિતુ ભૌમિક લાંગેએ આ અંગે ભારે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મેલબોર્નનો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ હંમેશા એવી વાર્તાઓ અને સિનેમાની ઉજવણી કરતો આવ્યો છે, જેણે દર્શકોના દિલ પર એક ઊંડી છાપ છોડી છે. અમારી 17મી આવૃત્તિની શરૂઆત ‘લગાન’ જેવી ઐતિહાસિક ફિલ્મના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીથી વધુ સારી રીતે ન થઈ શકી હોત.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ફિલ્મ માત્ર ભારતીય સિનેમાનું ગૌરવ નથી, પરંતુ આજે પણ દુનિયાભરના ફિલ્મમેકર્સ અને દર્શકોની પેઢીઓને પ્રેરણા આપી રહી છે. અમે મેલબોર્નમાં આમિર ખાનનું સ્વાગત કરવા માટે અત્યંત રોમાંચિત છીએ.
-
વિશ્વભરની સિનેમાઈ પ્રતિભાઓનો જામશે મેળો
આ વર્ષે ફેસ્ટિવલની 17મી આવૃત્તિને વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ 10દિવસીય સિનેમા ઉત્સવ દરમિયાન દુનિયાભરની ચુનંદા ફિલ્મોનું પ્રદર્શન (સ્ક્રીનિંગ), ગ્રાન્ડ પ્રીમિયર, ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ સાથે ખાસ વાતચીત, માસ્ટરક્લાસ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય મંચ પર વિશ્વભરના જાણીતા ફિલ્મમેકર્સ, કલાકારો, ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ અને સિનેમાના ચાહકો એકઠા થશે.


