Homeગુજરાતીદેશ-વિદેશમુંબઈમાં 113 કરોડની છેતરપિંડી કેસનો આરોપી UAE માં ઝડપાયો, રેડ કોર્નર નોટિસના...

મુંબઈમાં 113 કરોડની છેતરપિંડી કેસનો આરોપી UAE માં ઝડપાયો, રેડ કોર્નર નોટિસના આધારે કરાઈ કાર્યવાહી

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: મુંબઈના થાણેમાં રૂ. 113 કરોડની કથિત છેતરપિંડીના મામલામાં લાંબા સમયથી વોન્ટેડ મુખ્ય આરોપી અમિત લખનપાલની સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ધરપકડ કરવામાં આવી છે. થાણે પોલીસની વિનંતી પર જારી કરાયેલી રેડ કૉર્નર નોટિસના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આરોપીની ચોક્કસ લોકેશનની માહિતી યુએઈના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત લખનપાલ પર આરોપ છે કે તેણે વર્ષ 2017-18 દરમિયાન રોકાણકારોને પોતાની કથિત ક્રિપ્ટોકરન્સી ‘મની ટ્રેડ કૉઇન’ (MTC) માં રોકાણ કરવા માટે આકર્ષિત કર્યા હતા. આ માટે તેણે પોતાની ઓળખ નાણા મંત્રાલયના મોટા અધિકારી તરીકે આપી હતી અને આ રીતે અંદાજે રૂ. 113 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીએ સ્ટાર હોટલોમાં સેમિનાર યોજીને રોકાણકારોને એવો ભરોસો અપાવ્યો હતો કે MTC ક્રિપ્ટોકરન્સીને ટૂંક સમયમાં સરકારી માન્યતા મળવાની છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે બાદમાં MTC સાથે જોડાયેલી અનેક કથિત સ્કીમ્સ અને એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં કૉઇન ડિપોઝિટ રેશિયો, MTC Banque, MTCX India અને Cryptozaniya નો સમાવેશ થાય છે.

EDના જણાવ્યા મુજબ, આરોપીઓએ MTC ક્રિપ્ટોકરન્સીના ભાવમાં કથિત રીતે મોટા પાયે હેરફેર કરી હતી. સમય જતાં તેની ટ્રેડિંગ અને પૈસા ઉપાડવાની સુવિધાઓ અચાનક બંધ કરી દેવામાં આવી, જેના કારણે રોકાણકારોની મૂળ રકમ અને વચન આપવામાં આવેલા ઊંચા રિટર્ન બંને ડૂબી ગયા હતા. આ પ્રકરણમાં થાણે પોલીસ અમિત લખનપાલ ઉપરાંત તાહા હાફિઝ કાજી, સચિન વસંત શેલાર, કોમલ ભીમરાવ શિરસાઠ અને અન્ય આરોપીઓની પણ સઘન તપાસ કરી રહી છે. આ જ કેસના આધારે ED દ્વારા મની લોન્ડરિંગ (નાણાકીય હેરાફેરી) ની અલગથી તપાસ ચાલી રહી છે. ED અગાઉ પણ આરોપીઓ સાથે સંકળાયેલા અનેક ઠેકાણાઓ પર દરોડા પાડીને કરોડોની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.

  • એન્ટિગુઆ અને બારબુડાનો પાસપોર્ટ મેળવી ફરાર થયો હતો

પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ અમિત લખનપાલ તેના ખાસ સહયોગીઓ સાથે ભારત છોડીને ભાગી છૂટ્યો હતો. ED અનુસાર, તેણે કેરેબિયન દેશ ‘એન્ટિગુઆ અને બારબુડા’ના પાસપોર્ટ મેળવી લીધા હતા અને દુબઈમાં નકલી ઓળખ સાથે છુપાઈને રહેતો હતો. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે તે સમયે થાણેમાં તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારી કથિત રીતે લખનપાલની ઓફિસ અને તેના ગ્રાહકો સાથેના વહીવટી કામકાજ સંભાળતો હતો, જેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

લખનપાલની પત્ની ભારતમાં જ રહી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ત્રણ વખત દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ તેને રોકી દીધી હતી. જોકે, બાદમાં લખનપાલે કથિત રીતે પોતાની પત્ની માટે પણ એન્ટિગુઆનો પાસપોર્ટ મેળવી લીધો હતો અને તે ગત વર્ષે ભારતમાંથી બહાર જવામાં સફળ રહી હતી.

  • ભારત પરત લાવવાની કાનૂની પ્રક્રિયા શરૂ

અમિત લખનપાલની યુએઈમાં ધરપકડ થવાથી તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. હવે ભારત સરકાર દ્વારા તેને યુએઈ પાસેથી પ્રત્યાર્પણ કરાવવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ પાસેથી આ સમગ્ર કેસની વિસ્તૃત માહિતી માંગવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular