નવી દિલ્હી, 08 ઓગસ્ટ 2026: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે વિદેશી T20 લીગમાં રમવા જઈ રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એવી વ્યાપક અટકળો હતી કે નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ અથવા કોમેન્ટ્રીમાં કારકિર્દી બનાવશે, પરંતુ તેમણે વ્યાવસાયિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેઓ ‘યુરોપિયન T20 પ્રીમિયર લીગ’ની પ્રથમ આવૃત્તિમાં ભાગ લેશે. તેઓ જે ટીમમાં જોડાયા છે તેનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શ કરી રહ્યા છે અને તેમાં સ્ટીવ સ્મિથ તથા ટિમ ડેવિડ જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
અજિંક્ય રહાણે યુરોપિયન T20 પ્રીમિયર લીગ 2026માં ‘એમ્સ્ટરડેમ ફ્લેમ્સ’ (Amsterdam Flames) તરફથી રમશે. તે ‘માર્કી પ્લેયર’ તરીકે ટીમમાં જોડાયો છે. ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે સત્તાવાર જાહેરાત કરીને આ ભૂમિકામાં તેના સમાવેશની પુષ્ટિ કરી હતી. આયોજકોને અપેક્ષા છે કે રહાણે જેવા દિગ્ગજ ખેલાડીની ભાગીદારીથી લીગને ફાયદો થશે. આ લીગમાં ભારતનાં રવિચંદ્રન અશ્વિન સહિત અન્ય ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ રમતા જોવા મળશે.
‘એમ્સ્ટરડેમ ફ્લેમ્સ’ના સહ-સ્થાપક સ્ટીવ વોએ અજિંક્ય રહાણેનું ટીમમાં સ્વાગત કર્યું અને તેનાં વખાણ કર્યાં. તેમણે કહ્યું, “રહાણેમાં કૌશલ્ય, નેતૃત્વ, નમ્રતા અને એક વ્યાવસાયિક ક્રિકેટરમાં હોવા જોઈએ તેવા તમામ ગુણો છે. તેણે માત્ર પોતાની રમત માટે જ નહીં, પરંતુ મેદાન પરના પોતાના વર્તન માટે પણ ખૂબ સન્માન મેળવ્યું છે.”
આ ટીમમાં વિદેશી ખેલાડીઓ મિશેલ માર્શ (ઓસ્ટ્રેલિયા), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), ટિમ ડેવિડ (ઓસ્ટ્રેલિયા), માઈકલ બ્રેસવેલ (ન્યુઝીલેન્ડ), ડેવિડ પેન (ઈંગ્લેન્ડ) અને રિચાર્ડ ગ્લીસન (ઈંગ્લેન્ડ) છે.


