વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો
- ધૂળ-પ્રદૂષણ ઘટશે, એર ક્વોલિટી સુધરશે: આધુનિક કલેક્શન સેન્ટર સાથે AMCની મહત્વપૂર્ણ કામગીરી
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: AMC’s big initiative for waste-free Ahmedabad અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે.
શહેરમાં રહેણાંક કે વ્યાવસાયિક એકમોમાં થતા રિપેરિંગ, રિનોવેશન, મરામત અથવા નવા બાંધકામ દરમિયાન ઊભો થતો માટી-પુરણી તથા બિલ્ડિંગ ડેબ્રિજનો હવે યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિકો માત્ર એક ફોન કોલ દ્વારા પોતાના વિસ્તારના ઝોન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી કચરો ઉઠાવવાની સેવા મેળવી શકશે.
– રસ્તા પર બિલ્ડીંગ ડેબ્રિજ નાંખશો તો કડક દંડ થશે
– 25 નિર્ધારિત સ્થળો પર નાગરિકો પોતાનાં સ્વખર્ચે નિકાલ કરી શકશે
– ઝોન કંટ્રોલ રૂમમાં ફોન કરતાં જ C&D વેસ્ટની નજીવી ફી સાથે હોમ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ
નાગરિકો દ્વારા તેમના મકાનોનું રિપેરિંગ, રિનોવેશન, મરામત કે નવા બાંધકામ વગેરે કારણસર ઉત્પન્ન થતા માટી-પુરણી, બિલ્ડીંગ ડેબ્રીજ વગેરે જાહેર માર્ગો/સ્થળ કે અન્ય કોઈપણ જગ્યાએ નિકાલ ન કરતા શહેરનાં 07 ઝોનમાં નક્કી કરવામાં આવેલા કુલ 25 જેટલા પ્લોટો – લોકેશન – જગ્યાઓ પર નાગરિકો પોતાનાં સ્વખર્ચે નિકાલ કરી શકશે. જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત AMCની સોલિડ વેસ્ટ ટીમ નજીવી ફી લઈને સીધી નાગરિકોના ઘરે પહોંચીને બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન વેસ્ટ એકત્રિત કરીને યોગ્ય સ્થળે નિકાલ કરી શકે તેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવા મેળવવા માટે નાગરિકોએ સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી પોતાના ઝોન મુજબના સંપર્ક નંબર પર સંપર્ક કરવો રહેશે.
ક્યાં સંપર્ક કરશો?
મધ્ય ઝોન – 6357516301
ઉત્તર ઝોન – 6357516302
દક્ષિણ ઝોન – 6357516303
પૂર્વ ઝોન – 6357516304
પશ્ચિમ ઝોન – 6357516305
ઉત્તર-પશ્ચિમ ઝોન – 6357516306
દક્ષિણ-પશ્ચિમ ઝોન – 6357516307
રહેણાંક અથવા ફરિયાદના સ્થળ પરથી નિર્ધારિત સમય મર્યાદામાં ડેબ્રિજ ઉપાડી ન લેવામાં આવે તો સંબંધિત વ્યક્તિ પાસેથી નિયત ચાર્જ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગ, ખુલ્લા પ્લોટ અથવા AMC દ્વારા નિર્ધારિત કર્યા સિવાયના સ્થળે C&D વેસ્ટ ખાલી કરવામાં આવશે તો વાહન જપ્તી સુધીના પગલાં લેવામાં આવશે.
આ મિશનની અસરકારક અમલવારી માટે AMC દ્વારા સ્વચ્છતા સ્કવોડ રચવામાં આવ્યું છે, જે સાતેય ઝોનમાં સતત ચેકિંગ કરશે. ગેરકાયદે રીતે રોડ-રસ્તા અથવા જાહેર જગ્યાએ ડેબ્રિજ ફેંકતા જણાશે, તો જવાબદાર સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સી એન્ડ ડી વેસ્ટના વૈજ્ઞાનિક અને સુરક્ષિત સંચાલન માટે આધુનિક કલેક્શન સેન્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં મિસ્ટ સિસ્ટમ દ્વારા પાણીની નાની બૂંદોના છંટકાવની વ્યવસ્થા છે, જેના કારણે ધૂળ અને રજકણ વાતાવરણમાં ઉડતા અટકશે. પરિણામે હવા પ્રદૂષણમાં ઘટાડો થશે અને શહેરની એર ક્વોલિટી જાળવવામાં મદદ મળશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ રોડ-રસ્તા પર બિલ્ડિંગ ડેબ્રિજ ન ફેંકે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને. અમદાવાદને C&D વેસ્ટ મુક્ત બનાવવાના આ અભિયાનમાં સહયોગ આપી સ્વચ્છ અમદાવાદના સપનાને સાકાર કરવામાં નાગરિકોની ભાગીદારી અનિવાર્ય ગણાશે.


