અમદાવાદ, 21 ઓગસ્ટ, 2026: – ગુજરાત અને બિહાર વચ્ચે રેલવેથી મુસાફરી કરતા મુસાફરો માટે ભારતીય રેલવેએ એક મોટા અને મહત્વના સમાચાર આપ્યા છે. ભારતીય રેલવે અમદાવાદ અને ભાગલપુર વચ્ચે નવી સાપ્તાહિક ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેની સીધી રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત અને સુવિધાજનક બનશે.
બુકિંગ શરૂ, 26 ઓગસ્ટથી દોડશે ટ્રેન
રેલવે પ્રશાસન અનુસાર, આ ટ્રેનનું એડવાન્સ ટિકિટ બુકિંગ આજથી અર્થાત 21 ઓગસ્ટથી જ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ/એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદથી ભાગલપુર (ટ્રેન નં. 19423): 26 ઓગસ્ટ 2026થી આ ટ્રેન દર બુધવારે અમદાવાદથી સાંજે 6:30 વાગ્યે ઉપડશે અને શુક્રવારે સવારે 6:40 વાગ્યે ભાગલપુર પહોંચશે. આ મુસાફરીમાં આશરે 36 કલાક અને 10 મિનિટનો સમય લાગશે.
ભાગલપુરથી અમદાવાદ (ટ્રેન નં. 19424): પરત ફરતી વખતે આ ટ્રેન 28 ઓગસ્ટથી દર શુક્રવારે ભાગલપુરથી સાંજે 4:45 વાગ્યે રવાના થશે અને રવિવારે સવારે 5:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ મુસાફરી આશરે 36 કલાક અને 40 મિનિટની રહેશે.
માત્ર જનરલ અને સ્લીપર કોચ: ભાડું પણ એકદમ સસ્તું
સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ અમૃત ભારત એક્સપ્રેસમાં માત્ર જનરલ અનારક્ષિત (General Unreserved) અને સ્લીપર ક્લાસ (Sleeper Class) કોચ જ રાખવામાં આવ્યા છે. અમદાવાદથી ભાગલપુર વચ્ચે સ્લીપર ક્લાસનું ભાડું ₹925 નક્કી કરવામાં આવ્યું છે, જેથી લાંબા અંતરની મુસાફરી સસ્તા દરે થઈ શકશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 110 થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
આ ટ્રેન પોતાના રૂટ દરમિયાન બંને રાજ્યોના મહત્વના ઔદ્યોગિક અને વેપારી શહેરોને જોડશે. ગુજરાતમાંથી નીકળ્યા બાદ આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સૂબેદારગંજ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન ખાતે રોકાશે.
ત્યારબાદ બિહારમાં પ્રવેશીને બક્સરી, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિયુલ, અભયપુર, જમાલપુર અને સુલ્તાનગંજ જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ લેશે.
બિહારના સિરામિક અને ટેક્સટાઈલ હબ સમાન ભાગલપુર અને ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર અમદાવાદ વચ્ચે આ સેવા શરૂ થવાથી વેપારીઓ, શ્રમિકો અને સામાન્ય મુસાફરોને મોટો ફાયદો થશે.


