1. Home
  2. ગુજરાતી
  3. ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો
ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો

ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો

0
Social Share

ઈન્દોર, 24 ફેબ્રુઆરી 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક ભોજશાળા સંકુલમાં આવેલી કમાલ મૌલા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. ASI ના તારણ મુજબ, વર્તમાન મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચમાં રજૂ કરવામાં આવેલા 2000 પાનાના અહેવાલમાં જણાવાયું છે કે આ માળખું પરમાર વંશના શાસનકાળ દરમિયાન નિર્મિત મંદિર હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.

ASI ના એડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે 98 દિવસ સુધી અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ભોજશાળા પરિસરમાં ખોદકામ, અભ્યાસ અને વિશ્લેષણ કર્યું હતું. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, મસ્જિદના વર્તમાન સ્ટ્રક્ચરમાં વપરાયેલા સ્તંભો, બારીઓ અને બીમ પર પ્રાચીન મૂર્તિઓ કોતરાયેલી છે. સર્વે દરમિયાન કુલ 94 મૂર્તિઓ અને મૂર્તિઓના ટુકડા મળી આવ્યા છે, જેમાંથી ઘણી મૂર્તિઓ ખંડિત હાલતમાં છે. આ મૂર્તિઓમાં ભગવાન ગણેશ, બ્રહ્મા, નરસિંહ, ભૈરવ તેમજ વિવિધ દેવી-દેવતાઓ, માનવીઓ અને પ્રાણીઓની આકૃતિઓનો સમાવેશ થાય છે.

પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે આ માળખું દેવી સરસ્વતીને સમર્પિત એક મંદિર હોઈ શકે છે. આશરે 950 થી 1000 વર્ષ જૂના આ ઢાંચાનું નિર્માણ રાજા ભોજ અને તેમના પૂર્વજો દ્વારા કરવામાં આવ્યું હતું. ASI ના મતે, વર્તમાન બાંધકામમાં ડિઝાઇન કે યુનિફોર્મિટી (એકસમાનતા) નો અભાવ છે, જે સાબિત કરે છે કે તે અગાઉના મંદિરના અવશેષો પર ઉતાવળે ઊભું કરવામાં આવ્યું છે.

જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે નિર્દેશ આપ્યો છે કે, ASI નો રિપોર્ટ તમામ પક્ષકારોને સોંપવામાં આવે. તમામ પક્ષોએ આગામી બે અઠવાડિયામાં પોતાના વાંધા, સૂચનો અને અભિપ્રાય દાખલ કરવાના રહેશે. આ કેસની આગામી સુનાવણી 16મી માર્ચ ના રોજ નિયત કરવામાં આવી છે.

હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસના આશિષ ગોયલે જણાવ્યું હતું કે, “ASI ના રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ આખું માળખું પરમાર વંશનું છે.” જ્યારે અન્ય યાચિકાકર્તા અશોક જૈને કહ્યું કે, “અમે ન્યાયની અપેક્ષાએ અરજી કરી હતી કે જો તે મસ્જિદ હોય તો મુસ્લિમોને સોંપવામાં આવે અને જો મંદિર હોય તો હિન્દુઓને. હવે કોર્ટના સમય આપ્યા બાદ અમે આગામી કાયદેસરના પગલાં ભરીશું.”

આ પણ વાંચોઃ મુંબઈ હુમલા કેસના આતંકી તહવ્વુર રાણાની કેનેડાની સરકાર નાગરિકતા રદ કરશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code