1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું
ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

0
Social Share

ભાવનગરઃ શહેરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા કહેવામાં આવ્યુ હતુ. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને કરેલુ લેખિત ફરમાન સોશ્યલ મીડિયામાં વાયરલ થતા  વિવાદ ઊભો થયો હતો.  રાજકીય પક્ષમાં જોડાવવાનું કોલેજના આચાર્ય ફરમાન કેવી રીતે કરી શકે. જોકે આ અંગે આચાર્યને પોતાની ભૂલ સમજાતાં તેમણે સામેથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને લઈ શહેર કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં શ્રીમતી ન.ચ.ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજનાં આચાર્યએ ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી હતી, જેમાં વિદ્યાર્થિનીઓને ભાજપના પેજ કમિટીમાં સભ્ય બનવા આદેશ કરવામાં આવ્યો હતો. એને લઈ વિવાદ શરૂ થયો હતો અને ભાવનગરનું રાજકારણ ગરમાયું હતું. આ નોટિસમાં વિદ્યાર્થિનીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજિયાત લાવવા જણાવ્યું હતું. કોલેજમાં મોબાઈલ પર પ્રતિબંધ છે, જેનું પણ સરે આમ ઉલ્લંઘન કરાયું હતું. કોલેજના ટ્રસ્ટી ડોક્ટર ધીરેન વૈષ્ણવના કહેવા મુજબ કોલેજના આચાર્યને કોઈનો દોરીસંચાર હતો અને તેમને કોમ્પ્યુટરમાં લખાણ કરીને સહી કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવ્યો હતો. તેમણે વ્યક્તિગત આ કામ કર્યું છે, અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે, જેને લઈ તેમણે સામેથી રાજીનામું મૂકી દીધું છે. જોકે આ અજુગતુ થઈ ગયું હોય અને શૈક્ષણિક સંકૂલને રાજકીય રંગ ન લાગે એની અમે તકેદારી લીધી છે.

આ સમગ્ર મામલાને લઈ કૉંગ્રેસે ભાજપને આડે હાથે લીધી હતી. ભાવનગર શહેરની મહિલા કોલેજ સર્કલમાં આવેલી વર્ષો જૂની ગાંધી મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત છે. પહેલાં મુંબઇ યુનિવર્સિટી સંલગ્ન હતી અને હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન  છે. કોલેજનાં આચાર્યએ સોશિયલ મીડિયામાં એક પત્ર વિદ્યાર્થિનીઓને મોકલ્યો હતો અને એમાં ભાજપની પેજ કમિટીમાં જોડાવવા સીધો આદેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલમાં રાજકીય પ્રવૃત્તિથી ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેર કોંગ્રેસ-પ્રમુખે આ સમગ્ર મામલાને લઈ જણાવ્યું હતું કે ભાજપની પેજ કમિટીઓ કેવી રીતે બને છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ કોલેજનું નામ ભાજપ મહિલા કોલેજ રાખી દો. અમે એ જાણવાનો પ્રયત્ન કરશું કે આ કોના ઈશારે પત્ર લખીને આપવામાં આવ્યો હતો તેમજ યુનિવર્સિટીને પણ આ અંગે રજૂઆત કરવાના છીએ. આ એકમાં જ નહી, પણ બીજી આવી ઘણી સંસ્થાઓ છે જેમાં આવાં જ કામ થાય છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code