આજના સમયમાં વાળ ખરવા, શુષ્ક (ડ્રાય) થવા કે ડેમેજ થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણ, સૂર્યનો સખત તડકો અને પોષણની ખામી તો આ માટે જવાબદાર છે જ, પરંતુ આ સિવાય આપણી રોજિંદી જીવનશૈલીમાં જાણ્યે-અજાણ્યે થતી કેટલીક ભૂલો પણ વાળને ભારે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો, તો દરરોજ થતી આ 5 સામાન્ય ભૂલો વિશે જાણી લેવું જરૂરી છે.
ભીના વાળમાં કાંસકો ફેરવવો
મોટાભાગના લોકો શેમ્પૂ કર્યા પછી તરત જ ભીના વાળ ઓળવાની ભૂલ કરે છે, કારણ કે તેમને લાગે છે કે ભીના વાળ ઝડપથી ઉકેલાઈ જશે. પરંતુ ભીના વાળ મૂળમાંથી અત્યંત નબળા હોય છે, જેના કારણે વાળ વધુ પ્રમાણમાં તૂટે છે. હંમેશા વાળ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ ઓળવા જોઈએ. વધુ પડતા અટવાયેલા વાળ માટે પહોળા દાંતવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
વધુ પડતા તેલથી જોરથી માલિશ કરવી
ભારતીય ઘરોમાં વાળમાં તેલ નાખીને માલિશ કરવી એ હેર કેરનો એક મહત્વનો ભાગ છે. તેલ વાળને ભેજ આપે છે અને ચંપી કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. પરંતુ આ માલિશ હંમેશા હળવા હાથે જ કરવી જોઈએ. ઘણા લોકો ખૂબ જોરથી મસાજ કરે છે, જેનાથી વાળના મૂળ પર ખેંચાણ પડે છે અને તે નબળા થઈને ખરવા લાગે છે.
વાળના છેડા પર શેમ્પૂ ઘસવું
વાળ ધોતી વખતે મોટાભાગના લોકો સ્કેલ્પની સાથે વાળના છેડા (એન્ડ્સ) પર પણ શેમ્પૂ લગાવીને તેને ઘસે છે. આ ટેવથી વાળ અત્યંત શુષ્ક અને ડેમેજ થઈ જાય છે. શેમ્પૂ મૂળભૂત રીતે માત્ર સ્કેલ્પ (માથાની ત્વચા) ની ગંદકી સાફ કરવા માટે હોય છે. તેથી શેમ્પૂ માત્ર સ્કેલ્પ પર જ લગાવવું, તેનાથી બનતા ફીણથી વાળના છેડા આપોઆપ સાફ થઈ જાય છે.
સતત ટાઈટ હેરસ્ટાઈલ કે અંબોડો બાંધવો
જો તમે સતત હાઈ પોનીટેલ કે કડક અંબોડો (જૂડો) બાંધી રાખો છો, તો તેનાથી પણ વાળના મૂળ પર અતિશય ખેંચાણ આવે છે. લાંબા ગાળે આનાથી હેરલાઈન પાછળ જવાની (વાળ પાછળથી ખાલી થવાની) સમસ્યા સર્જાય છે. દરરોજ એક જ પ્રકારની હેરસ્ટાઈલ કરવાનું ટાળવું જોઈએ અને વાળને બહુ કસીને બાંધવા ન જોઈએ.
કોટનના ઓશિકાનો ઉપયોગ કરવો
રાત્રે સૂતી વખતે તમે કેવું ઓશિકું વાપરો છો, તેના પર પણ વાળનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. કોટન કે રુવાંટીવાળા કવરવાળા ઓશિકાથી વાળમાં ઘર્ષણ (રગડ) થાય છે, જેનાથી વાળ શુષ્ક થઈને તૂટે છે. વાળની સંભાળ માટે હંમેશા સિલ્કના કવરવાળા ઓશિકાનો ઉપયોગ કરવો જોઈએ અને વાળમાં પણ સિલ્ક ફેબ્રિકનું જ રબર બેન્ડ લગાવવું હિતાવહ છે.


