નવી દિલ્હી, 30 ઓક્ટોબર 2026: દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત છે. રાજધાનીની બે શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ ફરી એકવાર અફરાતફરી મચી ગઈ હતી. આ માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી હતી અને પોલીસ, ફાયર વિભાગ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના પગલા રૂપે શાળાના પરિસરમાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારના ખૂણેખૂણે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી
અહેવાલો અનુસાર, હુમાયુ રોડ પર આવેલી એસપીવી (SPV) અને આરએસ જુનિયર મોડર્ન સ્કૂલને શુક્રવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. શાળા વહીવટીતંત્રે તાત્કાલિક સંબંધિત એજન્સીઓને જાણ કરી હતી. ધમકીના સમાચાર ફેલાતા જ શાળાઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષાના કારણોસર, શાળાના પરિસરમાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
પોલીસ અને બોમ્બ સ્કવોડે શોધખોળ અભિયાન હાથ ધર્યું
માહિતી મળ્યા બાદ, દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો શાળાઓમાં પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, શાળાઓના વર્ગખંડો, આસપાસના વિસ્તારો અને અન્ય સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું. સાવચેતીના પગલા તરીકે, સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી હતી.
વધુ વાંચો: આજે રાત્રે અંતરિક્ષમાં ભારતની વધુ એક છલાંગ! ISRO લોન્ચ કરશે NVS-03 નેવિગેશન સેટેલાઇટ


