ત્વચાની સંભાળ (સ્કીન કેર) માટે ક્લીનિંગ એ સૌથી પહેલું અને મહત્વનું સ્ટેપ ગણાય છે. જોકે, દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતા બજારુ સાબુ કે બોડી વોશમાં રહેલા કેમિકલ્સ ત્વચાનું કુદરતી તેલ છીનવી લે છે, જેના કારણે ત્વચા શુષ્ક (ડ્રાય) અને ખેંચાયેલી અનુભવાય છે. ખાસ કરીને જે લોકોની સ્કીન અતિશય સંવેદનશીલ (સેન્સિટિવ) હોય તેમને સ્કિન ઇન્ફેક્શન, એલર્જી કે ખંજવાળની સમસ્યાઓ વધારે સતાવતી હોય છે.
આવી સ્થિતિમાં કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સના બદલે ઘરે જ કુદરતી ઘટકોમાંથી બનાવેલો મોઇશ્ચરાઇઝિંગ સોપ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઘરમાં સરળતાથી ઉપલબ્ધ એલોવેરા અને લીમડામાંથી બનાવેલો આ ઓર્ગેનિક સાબુ ત્વચાને મુલાયમ રાખવાની સાથે-સાથે ફંગલ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે.
-
સાબુ બનાવવા માટે જરૂરી સામગ્રી
સોપ બેસ : 250 ગ્રામ (ગ્લિસરીન કે ગોટ મિલ્ક સોપ બેસ)
તાજું એલોવેરા જેલ: અડધો કપ
કડવા લીમડાના પાન: એક મુઠ્ઠી
ગ્લિસરીન: 2 નાની ચમચી
વિટામિન E કેપ્સ્યુલ: 3 થી 4 નંગ
બદામ, જેતુન (ઓલિવ) કે નાળિયેરનું તેલ: 1 ચમચી
ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ: 4 થી 5 ટીંપા
સોપ મોલ્ડ: સાબુને આકાર આપવા માટે સિલિકોન મોલ્ડ કે કોઈ પ્લાસ્ટિક કન્ટેનર
-
બનાવવાની રીત
સૌપ્રથમ એલોવેરાના પાનમાંથી તાજું જેલ અલગ કરી મિક્સરમાં પીસી લો અને તેને ગાળી લો. ત્યારબાદ લીમડાના પાનને બરાબર ધોઈને મિક્સરમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. સોપ બેસને છરી વડે નાના-નાના ટુકડા (ક્યુબ્સ) માં કાપી લો. હવે એક વાસણમાં પાણી ઉકાળી તેના પર બીજું વાસણ મૂકીને (ડબલ બોઇલર પદ્ધતિથી) આ સોપ બેસને ધીમા તાપે ઓગાળો. સોપ બેસ સંપૂર્ણપણે લિક્વિડ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં તૈયાર કરેલું એલોવેરા જેલ, લીમડાની પેસ્ટ, ગ્લિસરીન, વિટામિન E કેપ્સ્યુલનું ઓઇલ, બદામ કે નાળિયેરનું તેલ અને ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ ઉમેરીને ચમચી વડે બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલા લિક્વિડ મિશ્રણને તરત જ સાબુના સિલિકોન મોલ્ડમાં રેડી દો. તેને સામાન્ય રૂમ ટેમ્પરેચર પર ૨ થી ૩ કલાક માટે સેટ થવા દો. સાબુ સંપૂર્ણપણે કડક થઈ જાય એટલે તેને મોલ્ડમાંથી બહાર કાઢી લો. તમારો હોમમેઇડ નેચરલ સાબુ ઉપયોગ માટે તૈયાર છે.
-
ત્વચા માટે ફાયદા
કુદરતી મોઇશ્ચરાઇઝર: એલોવેરા, ગ્લિસરીન અને તેલ ત્વચાને અંદરથી પોષણ આપીને કુદરતી રીતે નરમ અને ગ્લોઇંગ બનાવે છે.
ઇન્ફેક્શનથી રક્ષણ: લીમડામાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો ત્વચા પર થતા ખીલ, ઝીણી ફોલ્લીઓ અને ફંગલ ઇન્ફેક્શનને અટકાવે છે.
હેલ્ધી સ્કીન: વિટામિન E અને ટી ટ્રી ઓઇલ ત્વચાના ડેડ સેલ્સ દૂર કરીને ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.


