1. Home
  2. Dharma-ધર્મ
  3. ચૈત્ર નવરાત્રી: ઉપવાસમાં આ 5 ભૂલો તમને બીમાર પાડી શકે છે, જાણો ડાયેટ ટિપ્સ
ચૈત્ર નવરાત્રી: ઉપવાસમાં આ 5 ભૂલો તમને બીમાર પાડી શકે છે, જાણો ડાયેટ ટિપ્સ

ચૈત્ર નવરાત્રી: ઉપવાસમાં આ 5 ભૂલો તમને બીમાર પાડી શકે છે, જાણો ડાયેટ ટિપ્સ

0
Social Share

આવતીકાલ એટલે કે 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાની આરાધનાની સાથે શ્રદ્ધાપૂર્વક વ્રત-ઉપવાસ રાખશે. ઉપવાસ એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તે પાચનતંત્રને આરામ આપવા અને માનસિક શાંતિ માટે ઉત્તમ મનાય છે. જોકે, ઘણીવાર ભક્તો ઉપવાસમાં ખાન-પાનમાં કેટલીક એવી ભૂલો કરે છે, જેનાથી ભક્તિને બદલે તબિયત બગડી શકે છે.

  • લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું

ઘણા લોકો આખો દિવસ કશું જ ખાધા-પીધા વગર વિતાવે છે, જેના કારણે શરીરમાં નબળાઈ, ચક્કર આવવા કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જેથી દર 2-3 કલાકે મખાણા, ફળો અથવા હળવો ફરાળી નાસ્તો લેતા રહો. આનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.

  • વધુ પડતું તળેલું અને ભારે ભોજન

નવરાત્રીમાં લોકો અવારનવાર રાજગરા કે શિંગોડાના લોટની પૂરી, પકોડા અને બટાકાની ચિપ્સ જેવી તેલયુક્ત ચીજો વધુ ખાય છે. આ ખોરાક પાચનતંત્ર પર સીધી અસર કરે છે. જેથી તળેલી વસ્તુઓને બદલે બાફેલી, શેકેલી અથવા સ્ટીમ કરેલી હળવી વસ્તુઓ ખાઓ. દહીં અને બાફેલા બટાકા એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

  • પાણી ઓછું પીવું

ઉપવાસમાં કામની વ્યસ્તતામાં લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. જેનાથી શરીરમાં પાણીની ઉણપ (ડિહાઈડ્રેશન), માથાનો દુખાવો અને થાક લાગે છે. જેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. આ ઉપરાંત લીંબુ શરબત, નાળિયેર પાણી અને છાશનું સેવન પણ વધારવું જોઈએ.

  • વધુ પડતી ખાંડ અને કેલરીવાળો ખોરાક

લોકો ઉપવાસમાં મીઠાઈ, વધુ ખાંડવાળી ચા કે હાઈ કેલરીવાળા ફળોનું સેવન વધારી દે છે, જે વજન વધારવાનું કારણ બને છે. જેથી નેચરલ શુગર ધરાવતા ફળો ખાઓ અને બહારની મીઠાઈઓ કે ખાંડનો ઉપયોગ મર્યાદિત રાખો.

  • એકસાથે વધુ ખાઈ લેવું

આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી સાંજે આરતી બાદ ઘણા લોકો એકસાથે ઘણું બધું ખાઈ લે છે. આનાથી પેટમાં ભારેપણું અને અપચો થાય છે. જેથી ઉપવાસ છોડતી વખતે હંમેશા હળવો અને સંતુલિત આહાર લો અને ધીમે-ધીમે ચાવીને ખાઓ.

નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં જો તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો, તો તમારી ભક્તિની સાથે શક્તિ પણ અકબંધ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code