Site icon Revoi.in

ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16મી ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે ઉદ્ઘાટન સમારોહ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉદ્ઘાટન સમારોહ યોજશે. જોકે, રોહિત શર્મા તેમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI રોહિતને લાહોર નહીં મોકલે. બીજી તરફ, ICC અને PCB એ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સ અને ફોટોશૂટ માટે લાહોર આવશે કે નહીં. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે જો રોહિત નહીં જાય તો તેની ગેરહાજરીમાં ઉદ્ઘાટન સમારોહ કેવી રીતે યોજાશે. સુરક્ષાનો કારણોસર ભારતની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની નથી અને ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર સાઉદી અરેબિયામાં રમાશે.

પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ચેરમેન મોહસીન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ પહેલા સુનિશ્ચિત કાર્યક્રમોની યાદીને મંજૂરી આપી હતી. PCB 7 ફેબ્રુઆરીના રોજ નવીનીકરણ કરાયેલ ગદ્દાફી સ્ટેડિયમનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે, જેના માટે વડા પ્રધાન શાહબાઝ શરીફને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પીસીબી 11 ફેબ્રુઆરીએ કરાચીમાં એક સમારોહમાં નવીનીકૃત નેશનલ સ્ટેડિયમનું પણ ઉદ્ઘાટન કરશે જ્યાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે PCB અને ICC કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને ફોટોશૂટના શેડ્યૂલ પર પણ કામ કરી રહ્યા છે, જે 16 ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાવાની શક્યતા છે. ઉદ્ઘાટન સમારોહ ઐતિહાસિક લાહોર કિલ્લાના હુઝુરી બાગ ખાતે યોજાવાનો છે જેમાં વિવિધ બોર્ડના અધિકારીઓ, સેલિબ્રિટીઓ, રમતગમતના દિગ્ગજો અને સરકારી અધિકારીઓને આમંત્રિત કરવામાં આવશે.