નવી દિલ્હી, 19 ઓગસ્ટ 2026: અરુણાચલ પ્રદેશની સરહદે ચીનની ઘૂસણખોરીના દાવાઓને બુધવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સદંતર ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો એવું કહી રહ્યા છે કે ચીન 60 કિલોમીટર અંદર આવી ગયું છે અને ખોટા વીડિયો શેર કરી રહ્યા છે, તેમનો દાવો બિલકુલ ખોટો છે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા રિજિજુએ સ્વીકાર્યું હતું કે સરહદ પર સમસ્યા ચોક્કસ છે કારણ કે હજુ સુધી સરહદનું સીમાંકન કરવામાં આવ્યું નથી. અરુણાચલ પ્રદેશના સરહદી ગામોના લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે વ્યાજબી છે, પરંતુ આ સ્થિતિનો અર્થ એ નથી કે ચીને ભારતના કોઈ ગામ પર કબજો કરી લીધો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સીમાંકન ન થવાને કારણે ચીન કેટલાક વિસ્તારો પર દાવો કરે છે. ચીન તરફ વસેલા ગામોના લોકો અને તિબેટીઓ એવો દાવો કરે છે કે તેમની જમીન અંદર સુધી છે, જેના કારણે ભ્રમની સ્થિતિ સર્જાય છે. ખોટી તસવીરો પોસ્ટ કરીને ચીની સેના 60 કિલોમીટર અંદર ઘૂસી ગઈ હોવાનો પ્રચાર કરવો દેશમાં ભ્રમ પેદા કરે છે અને સરહદ પર તૈનાત સુરક્ષાકર્મીઓનું મનોબળ નબળું પાડે છે.
- સરહદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત
રિજિજુએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત બનાવી દીધી છે. સેના અને ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP) દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશની 27જગ્યાઓ અને ભૌગોલિક વિશેષતાઓનને સર્વે ઓફ ઇન્ડિયાના અધિકૃત નકશાઓમાં માનક નામોથી ઓળખવાનો નિર્ણય કર્યો છે, જે ચીનની નામ બદલવાની કોશિશોનો જડબાતોડ જવાબ છે. ભારત સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને સરહદ પર શાંતિ તથા સ્થિરતા જાળવવી બંને દેશોના વ્યાપક દ્વિપક્ષીય સંબંધો માટે અનિવાર્ય છે.


