Homeગુજરાતીગુજરાતમાઇક્રોનનાં સેમિકંડક્ટર પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની સરકારે મંજૂરી આપી

માઇક્રોનનાં સેમિકંડક્ટર પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની સરકારે મંજૂરી આપી

ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2026 : Government approves 12-hour shifts for Micron’s semiconductor plant ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે. આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48 કલાકનો જ રહેશે.

આ મંજૂરી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે, જે 21 નવેમ્બર, 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ કોડ રાજ્ય સરકારોને જરૂરી સુરક્ષા જોગવાઈઓ સાથે કેટલીક પરિસ્થિતિઓમાં ફેક્ટરીઓને ચોક્કસ જોગવાઈઓમાંથી છૂટ આપવાની સત્તા આપે છે, પરંતુ કર્મચારીઓના સાપ્તાહિક કામકાજના કલાકો નિર્ધારિત મર્યાદાથી વધુ ન થાય તેની ખાતરી પણ આપે છે.

ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, “ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડનો મુખ્ય હેતુ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ કોમ્પ્લાયન્સને પ્રોત્સાહન આપવાનો છે. કોડમાં સપ્તાહના મહત્તમ 48 કલાકના કામકાજની જોગવાઈ છે. ગુજરાત સરકારે રાજ્યના વ્યાપક જાહેર હિત, આર્થિક વિકાસ અને રોજગારી સર્જનને ધ્યાનમાં રાખીને આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે.”

“કોઇ પણ ઔદ્યોગિક એકમે કર્મચારીઓ માટે 12 કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજુરી લેવી ફરજિયાત છે. મંજુરી વગર કોઇ ઔદ્યોગિક ગૃહ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ રાખી શકશે નહી. આ પ્રકારની જોગવાઇ ચોક્સ ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે,’’ કુંવરજી બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું.

રાજ્ય સરકારે આ મંજૂરી સાથે શ્રમિકોના હિતોની સુરક્ષા માટે કડક શરતો લાગુ કરી છે. પુખ્ત વયના કર્મચારીઓ દિવસના વધુમાં વધુ 12 કલાક કામ કરી શકશે, પરંતુ સપ્તાહમાં કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય. બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular