1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારે વરસાદથી પ્રભાવિત છ જિલ્લામાં રાહત-કામગીરીની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા
ભારે વરસાદથી પ્રભાવિત છ જિલ્લામાં રાહત-કામગીરીની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

ભારે વરસાદથી પ્રભાવિત છ જિલ્લામાં રાહત-કામગીરીની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી કરી હતી. આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પૂન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઇએ.

મુખ્યમંત્રીએ જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો સત્વરે તે અંગેનું કાર્ય આયોજન મોકલી આપે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા 48 કલાકમાં જે સ્થિતી સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની પ્રશંસા કરી હતી.  રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1300 જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં 811 લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF, અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢયા છે તેની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

નવસારીમાં એન.ડી.આર.એફ ની 4 અને એસ.ડી.આર.એફ ની 6 ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.    નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતી બાદ સાફ-સફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની 200 કામદારોની ટીમ 6 જેટલા જે.સી.બી, પાંચ ડી વોટરીંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા 47થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોચી ગઇ છે.

એટલું જ નહિ, 40 આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેની વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 14900 જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code