1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ગેમ્સ, રાજકોટમાં હોકી સ્પર્ધાનું સમાપન, વિજેતા ટીમોને મેડલ અનાયત કરાયા
નેશનલ ગેમ્સ, રાજકોટમાં હોકી સ્પર્ધાનું સમાપન, વિજેતા ટીમોને મેડલ અનાયત કરાયા

નેશનલ ગેમ્સ, રાજકોટમાં હોકી સ્પર્ધાનું સમાપન, વિજેતા ટીમોને મેડલ અનાયત કરાયા

0
Social Share

રાજકોટઃ શહેરમાં રમાઈ રહેલા  36મી નેશનલ ગેમ્સમાં હોકીની ફાઈનલ મેચ બાદ શાનદાર સમાપન સમારોહ અને મેડલ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ  વિજેતા ટીમોને મેડલ એનાયત કર્યા હતા. હોકીની નેશનલ ગેમ્સ માં મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટકે  ઉત્તરપ્રદેશને હરાવીને 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મહાનગરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહારના રાજ્યોના ઘણાબધા ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા છે. રાજકોટમાં પણ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે જયારે પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જયારે ત્રીજા અને ચોથા નંબર માટે ઝારખંડ અને મધ્યપ્રદેશ મહિલા હોકી ટીમ વચ્ચે તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણા પુરુષ હોકી ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં મહિલા હોકીમાં પંજાબને રજત, મધ્યપ્રદેશને કાંસ્ય તેમજ ઝારખંડ ચોથા ક્રમે તેમજ પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશને રજત, મહારાષ્ટ્રને કાંસ્ય તેમજ હરિયાણા ચોથા ક્રમે વિજેતા જાહેર થયું હતું.

જાહેર થયેલા પરિણામો મુજબ મહિલા હોકીમાં ફાઈનલમાં હરિયાણા 01-00થી પંજાબ સામે, ત્રીજા-ચોથા ક્રમ માટે મધ્યપ્રદેશ 05-02 ગોલથી ઝારખંડ સામે વિજેતા બની હતી. જ્યારે પુરુષ હોકીમાં ફાઈનલમાં કર્ણાટક 02-02ની બરોબરી બાદ શુટઆઉટ અને સડન ડેથ બાદ 05-04થી ઉત્તર પ્રદેશ સામે જ્યારે ત્રીજા ચોથા ક્રમ માટે મહારાષ્ટ્ર પેનલ્ટી શૂટઆઉટમાં 03-01 ગોલથી હરિયાણા સામે વિજેતા બની હતી.

મેચના અંતે યોજાયેલી મેડલ સેરેમનીમાં મંત્રી જીતુ વાઘાણી સાથે મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય લાખા સાગઠીયા, રમત ગમત અધિકારી તેમજ પદાધિકારીઓ અને મેચ ઓફિશિયલ્સ જોડાયા હતા. સોમવારે ફાઈનલ મેચ સહિતની મેચને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ ચીઅરઅપ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટમાં ખરા અર્થમાં યુનિટી સાથે તમામ મેચનું સુનિયોજિત આયોજન કરવામાં આવતા રાજકોટ વાસીઓમાં ખેલ પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code