1. Home
  2. ગુજરાતી
  3. કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!
કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

0
Social Share
  • આનંદ શુક્લ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો કરાયો, 6 ડિસેમ્બર, 1992ના રોજ રામભક્ત કારસેવકોએ દેશના સ્વાભિમાનના પુનર્સ્થાપના ભાગરૂપે બાબરી ઢાંચાની જગ્યાએ તંબુમાં ભગવાન રામલલાને મૂકીને મંદિર વહી બનાયેંગેનો સંકલ્પ કર્યો હતો. ભારતના ભારતીયતાને વરેલા તમામ લોકો અને વિરાટ હિંદુ સમાજના પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, બોલકા, મૌન સંઘર્ષનું પરિણામ છે કે અંદાજે 495 વર્ષ બાદ પવિત્ર રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને અધીરરંજન ચૌધરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધીના પરોક્ષ નેતૃત્વવાળી કોંગ્રેસે આમા સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ભાજપ અને આરએસએસની રાજનીતિક યોજના ગણાવી દીધી. કોંગ્રેસે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણનો સાદર અસ્વીકાર કર્યો છે.

સેક્યુલારિઝ્મના નામે તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠાઓના શિખરો કોંગ્રેસે પંડિત જવાહરલાલ નહેરુના સમયથી લઈને રાહુલ ગાંધી સુધીના સમયગાળામાં સર કર્યા છે. રામમંદિર પર તેમનું જે વલણ છે, તે વલણ કોંગ્રેસને આવા તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠાના નવા શિખરો પણ સર કરાવશે. કૉંગ્રેસની આવી નીતિ-રીતિએ જ દેશમાં રાજનીતિના હિંદુકરણનું ઝડપી અને દ્રઢતાપૂર્વક કામ કર્યું છે. લોકોએ કૉંગ્રેસના આવા હિંદુ લાગણીઓનો અસ્વીકાર કરતા વલણને કારણે રામમંદિરના મામલાને સમર્થન આપનારી ભારતીય જનતા પાર્ટીને પોતાનું મજબૂત સમર્થન આપ્યું છે.

રામજન્મભૂમિ આંદોલન વખતે જ્યારે કારસેવકો કહેતા હતા કે રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે. ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તુષ્ટિકરણની રાજનીતિમાં ઓતપ્રોત બનીને રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાની સાથે રામભક્તોના અપમાન કરતા કહેતા હતા કે તારીખ નહીં બતાયેંગે.

હવે તારીખ જણાવી દીધી અને આમંત્રણ પણ આપી દીધું, તો કોંગ્રેસને દેશના હિંદુઓની લાગણીનું સમ્માન કરીને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આવવાનો શું વાંધો હોય? કોંગ્રેસના આમંત્રણ ડિસેમ્બરમાં મળ્યું હતું અને તેને અસ્વીકારવા માટે તેને 20 દિવસ લાગ્યા. આનું કારણ વૈચારીક અથવા રાજકીય સ્તરે મામલા પર નિર્ણય લેવામાં સ્પષ્ટતાનો અભાવ હતો. જ્યારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પીએમને મુખ્ય અતિથિ તરીકે શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટે આમંત્રિત કર્યા, તો કોંગ્રેસના સલમાન ખુર્શિદે કહ્યુ હતુ કે આમંત્રણ માત્ર એક પાર્ટીને કેમ અપાય રહ્યું છે. મંદિર કોઈ એક પાર્ટીનું નથી. ત્યારે કોંગ્રેસે સત્તાવાર રીતે ખુર્શિદના નિવેદનને નકાર્યું નહીં. જ્યારે પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાનો નિર્ણય થયો, ત્યારે કોંગ્રેસની હિમાચલ પ્રદેશની સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યુ કે તેમણે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યું છે કે તેઓ પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જશે. જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા કહી રહ્યા હતા કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયથી બચવું જોઈએ. એટલે કે કોંગ્રેસ હવે પંડિત જવાહરલાલ નહેરુ અને પુરુષોત્તમદાસ ટંડન વચ્ચે ચાલેલા સેક્યુલર અને હિંદુવાદી રાજનીતિના દ્વંદમાં ફરીથી ફસાતી દેખાય રહી છે. ત્યારે સવાલ એ છે કે 1947-48ની પૃષ્ઠભૂમિમાં નહેરુ અને ટંડન વચ્ચેના સંઘર્ષમાં સેક્યુલારિઝમના નામે નહેરુવાદી તુષ્ટિકરણની રાજનીતિના હાથ કોંગ્રેસમાં ઉપર રહ્યા હતા. પરંતુ હવે રાહુલ ગાંધીના ટેકેદારો અને અન્ય રામમય બની ચુકેલા કે રામભક્તિને મનમાં દબાવીને બેઠેલા કોંગ્રેસીઓ વચ્ચે રાજકીય સંઘર્ષની શક્યતા છે?  બની શકે કે રાહુલવાદી કોંગ્રેસમાં રામભક્ત કોંગ્રેસીઓ ઘડિયાળના કાંટા ભગવાનની ઈચ્છા મુજબ ઉંધા ફેરવી શકે.

કોંગ્રેસ રામવિરોધી હોવાના આરોપો રામજન્મભૂમિ આંદોલન વખતથી ચાલતા રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર વખતે ભગવાન રામને કાલ્પનિક ગણાવતા એફિડેવિટનો મામલો પણ ભાજપ કોંગ્રેસને વારંવાર યાદ કરાવે છે. હકીકત એ પણ છે કે જનોઈધારી, દત્તાત્રેય ગોત્રી ગણાવાતા રાહુલ ગાંધી, તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને બંનેના માતા સોનિયા ગાંધી ક્યારેય અયોધ્યામાં રામલલાના દર્શન કરવા ગયા નથી. ગાંધી-નહેરુ પરિવારના ઘણાં સદસ્યો અફઘાનિસ્તાનમાં બાબરના મકબરા બાગ-એ-બાબરની મુલાકાત લઈ ચુક્યા છે. આ જ બાબરે અયોધ્યામાં મીર બાંકી થકી બાબરી ઢાંચો તૈયાર કરાવ્યો હતો. શું કોંગ્રેસ આ બધી બાબતોની કડીમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું ટાળી રહી છે?

કોંગ્રેસના આવા નિર્ણયને કારણે દેશની સૌથી જૂની પાર્ટીને તેની પોતાની કોઈ રણનીતિ પણ કેવી રીતે માફક આવશે? ભાજપને ગત ચૂંટણીમાં 22 કરોડ વોટ મળ્યા હતા અને સત્તાધારી પાર્ટી વિરુદ્ધ 40 કરોડથી વધુ વોટ પડયા હતા. કોંગ્રેસ હાલ ભાજપ વિરોધી 40 કરોડ વોટને એકજૂટ કરવાનું કામ કરી રહી છે. પરંતુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કરનારી કોંગ્રેસ ભૂલી જાય છે કે 40 કરોડથી વધુ આવા વોટરોમાં મોટો હિસ્સો તો હિંદુ વોટર્સનો જ હતો.

કોંગ્રેસે નિમંત્રણનો અસ્વીકાર કરવાના બે કારણો ગણાવ્યા છે. અર્ધનિર્મિત મંદિર અને ભાજપ-સંઘની રાજકીય યોજનાની પોતાના કારણોમાં કોંગ્રેસે વાત કરી છે. પહેલો સવાલ એ છે કે જો કોંગ્રેસ ખુદ આને રાજકીય પ્રોજેક્ટ ગણાવી રહી છે, તો આમા ધર્મસંમત ચીજો કેમ શોધી રહી છે?

કોંગ્રેસના નેતાઓ શંકરાચાર્ય નહીં જઈ રહ્યા હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે એ પણ જવાબ આપવો જોઈએ કે તેઓ શંકરાચાર્યોની તમામ વાતો માને છે કે સુવિધાજનક રીતે રાજકીય દંભ જ કરતી રહે છે? જ્યારે હિંદુ ધર્મના ધર્માચાર્યો કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ અને દેશની સેક્યુલર જમાતો આદેશની સાથે હતી. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટના જ આવા એક આદેશથી રામજન્મભૂમિ મુક્ત થાય છે અને ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય છે, તો આ જ કોંગ્રેસ અને સેક્યુલર જમાતો સાથે મળીને ધર્મસંમત બાબતો શોધીને શંકરાચાર્યોની સાથે ઉભી થઈ જાય છે.

જ્યારે ભાજપની લોકસભામાં માત્ર બે બેઠકો હતું. ભાજપ જ્યારે દેશમાં સૌથી નબળી સ્થિતિમાં હતું, ત્યારે કોંગ્રેસની તત્કાલિન રાજીવ ગાંધી સરકારે શાહબાનો કેસનો ચુકાદો પલટયો હતો. બાદમાં તુષ્ટિકરણના આરોપોના રાજકીય સંતુલનના ભાગરૂપે અયોધ્યામાં રામમંદિરના તાળા ખોલાવ્યા હતા અને તે પણ કોર્ટના આદેશ બાદ. પણ જ્યારે રામમંદિર આંદોલનમાં બચાવ કરવો હોય, તો રાજીવ ગાંધીએ તાળા ખોલાવ્યાનો જવાબ કોંગ્રેસ તરફથી અપાતો રહ્યો છે. પરંતુ હવે જ્યારે ભાજપ દેશની સૌથી મજબૂત પાર્ટી છે, ત્યારે કોંગ્રેસને રામમંદિરના થઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને અસ્વીકાર કરવાની પાછળ માત્ર કહેવામાં આવતા જ તર્કો નથી. આની પાછળ શું કોંગ્રેસના ચૂંટણી ગણિતજ્ઞોનું કોઈ મોટું મત ગણિત છે? શું કોંગ્રેસ આવા સવાલોનો જવાબ શોધશે કે પછી દેશની રાજનીતિના થઈ ચુકેલા હિંદુકરણ વચ્ચે બુઝતો દિવો સાબિત થઈને માત્ર સેક્યુલરાઝિમના નામે તુષ્ટિકરણના રાજકીય લપકારાથી ઝબકારાનો સંતોષ માનશે? કમસે કમ કોંગ્રેસના રણનીતિકારોએ 2014ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી તેમના જ પાર્ટીના વરિષ્ઠ નેતા એ. કે. એન્ટનીએ આપેલા રિપોર્ટને એક વખત વાંચવાની તસ્દી લેશે કે તસ્બી ફેરવવાની દિશા જ પકડેલી રાખશે?

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code