Homeગુજરાતીભારતમાંથી હવે ગંભીર ગુના આચરીને ગુનેગારો વિદેશ નહીં ભાગી શકે

ભારતમાંથી હવે ગંભીર ગુના આચરીને ગુનેગારો વિદેશ નહીં ભાગી શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટના પ્રસ્થાનના 24 કલાક પહેલા કસ્ટમ અધિકારીઓ સાથે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સંપર્ક, PNR વિગતો અને ચુકવણીની વિગતો શેર કરવા નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે. સરકારના આ પગલાથી હવે આર્થિક અને અન્ય ગુનેગારો માટે દેશ છોડીને ભાગવું મુશ્કેલ બનશે. દાણચોરી અને અન્ય ગેરકાયદે વેપારને પણ અટકાવી શકાશે. આ સાથે ભારત વિશ્વના અન્ય 60 દેશોના જૂથમાં સામેલ થઈ ગયું છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરોની PNR વિગતો એકત્રિત કરે છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું હતું કે, મુસાફરોની વિગતોમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ દેશમાં પ્રવેશતા અથવા બહાર જતા મુસાફરોની દેખરેખ અને જોખમ શોધવા માટે કરવામાં આવશે. એરલાઇન્સ કંપનીઓને નામ, સંપર્ક વિગતો (ઇમેઇલ-આઇડી, મોબાઇલ નંબર), ટ્રાવેલ એજન્સીની વિગતો, સામાનની વિગતો અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની ચુકવણીની વિગતો આપવાનું કહેવામાં આવ્યું છે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, તેનો હેતુ બેંક લોન ડિફોલ્ટર્સ અને અન્ય ગુનેગારોને દેશ છોડીને ભાગી જતા અટકાવવાનો છે. સરકારે ખુદ સંસદમાં કહ્યું છે કે, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા કુલ 38 આર્થિક ગુનેગારો છેલ્લા પાંચ વર્ષમાં દેશ છોડીને ભાગી ગયા છે. સરકારે પાંચ વર્ષ પહેલા બજેટમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોની માહિતી કસ્ટમ વિભાગને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું ઔપચારિક માળખું હવે સામે આવી ગયું છે.

નોટિફિકેશન અનુસાર, આ નિયમનું પાલન ન કરવા પર દરેક ઉલ્લંઘન માટે એરલાઇન કંપનીને ઓછામાં ઓછો 25,000 રૂપિયા અને વધુમાં વધુ 50,000 રૂપિયાનો દંડ લાગશે. જો જરૂરી હોય તો, મુસાફરો સંબંધિત માહિતી અન્ય કાનૂની એજન્સીઓ અથવા અન્ય કોઈ દેશ સાથે પણ શેર કરી શકાય છે. જો કે આ મામલે તપાસ કર્યા બાદ આવું પગલું ભરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular