Site icon Revoi.in

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર અને દિલ્હી બંને સરકારો ખર્ચ ઉઠાવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, “મહિલાઓ પછી, હવે અમે વિદ્યાર્થીઓ માટે બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરીશું. અમે કેન્દ્ર પાસે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે મફત મુસાફરી શરૂ કરવાની માંગ કરી હતી.” કેજરીવાલ ટૂંક સમયમાં આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે.

કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, “દિલ્હીના વિદ્યાર્થીઓ તેમની શાળા કે કોલેજ સુધી પહોંચવા માટે મોટાભાગે મેટ્રો પર નિર્ભર છે. વિદ્યાર્થીઓ પરનો આર્થિક બોજ ઓછો કરવા માટે, હું દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50 ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકું છું. દિલ્હી મેટ્રો એ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચેનો ૫૦:૫૦ સહયોગ પ્રોજેક્ટ છે, તેથી આનો ખર્ચ દિલ્હી સરકાર અને કેન્દ્ર દ્વારા સમાન રીતે ઉઠાવવો જોઈએ. મને આશા છે કે તમે આ પ્રસ્તાવ સાથે સહમત થશો.”

અગાઉ, કેજરીવાલે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સમાવેશ કરવા અંગે પત્ર લખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે 10 વર્ષ સુધી OBC અનામતના નામે જાટ સમુદાય સાથે છેતરપિંડી કરી છે. ગૃહમંત્રી અમિત શાહે 2019 માં જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પૂરું કર્યું નહીં. આમ આદમી પાર્ટીના વડાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં સમાવેશ ન થવાને કારણે જાટ સમુદાયના હજારો બાળકો દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકતા નથી.

Exit mobile version