Homeગુજરાતીસુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના...

સુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પીડિતો અને તેમના પરિવારજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે સરકાર, સામાજીક આગેવાનો અને તબીબો કોરોના સામેની લડાઈમાં લોકોનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી દર્દીના જન્મ દિવસની હોસ્પિટલમાં જ ઉજવણી કરવામાં આવી હતી. દર્દીઓનું મનોબળ વધે તે માટે તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તબીબોની આ કામગીરીનો વીડિયો પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરીને તબીબો અને હોસ્પિટલની કામગીરીના વખાણ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરોના પીડિતનું મનોબળ વધારવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ મહિલા દર્દીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં તથા ટ્વિટર પર ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે વિડીયો ફેસબુક પર જોતાની સાથે જ પૂર્વ દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે પણ વીડિયો ટ્વીટ કર્યો હતો. તેમજ લખ્યું હતું કે, આજે જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે તબીબો દ્વારા એક સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે. વિરેન્દ્ર સહેવાગે તબીબોનો આભાર પણ માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોરોના પીડિત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આ દર્દીઓ હતાશ ન થાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા પ્રયાસો તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ સ્ટાફ અને દર્દીઓ સાથે ગરબા રમતો વીડિયો સામે આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular