Homeગુજરાતીપાટણમાં વીજળી પડતાં ત્રણ સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા, જિલ્લામાં કડાકા ભડાકા...

પાટણમાં વીજળી પડતાં ત્રણ સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા, જિલ્લામાં કડાકા ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ

પાટણઃ  જિલ્લામાં લાંબા વિરામ બાદ  અષાઢ મહિનાના પ્રારંભે  રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાટણમાં માત્ર એક જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાના કારણે શહેરની ત્રણ જેટલી સોસાયટીમાં શોર્ટ સર્કિટ થવાથી વીજ ઉપકરણો બળી ગયાની ઘટના બની છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

પાટણમાં મોડી રાત્રે એકાએક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી વાળીનાથ ચોક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. જ્યારે સુભાષ ચોક ખાતે આવેલી પંક્ચરની દુકાનનું છાપરુ તૂટી ગયું હતું. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના કેટલાક ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પાટણ, રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સાંતલપુર,ચાણસ્મા હારીજ,સમી, સરસ્વતી, વગેરે વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ પાટણ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીટીકપાસ ,રજકાબાજરી, મગ,અડદ, જુવાર સહિતના પાકોમાં પ્રાણ ફૂંકાયા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img