1. Home
  2. revoinews
  3. મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં
મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં

મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં

0
Social Share

હેમંત પરમાર, અરવલ્લી. 25 મે 2026 – અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી બાદ મોડાસા અને મેઘરજમાં રાજકીય માહોલ ગરમાયો છે. બંને તાલુકા પંચાયતોમાં ભારે રસાકસી વચ્ચે આખરે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. ક્યાંક વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી ભાજપ માટે ફાયદાકારક બની તો ક્યાંક ક્રોસ વોટિંગ અને આંતરિક ખેંચતાણે રાજકીય સમીકરણો જ બદલી નાંખ્યા. પરિણામે બંને તાલુકામાં ભાજપ સમર્થિત પદાધિકારીઓની વરણી થતાં સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને પક્ષો પાસે 10-10 બેઠકો હોવાના કારણે ચૂંટણીનું ગણિત છેલ્લી ઘડી સુધી રસપ્રદ બન્યું હતું. જોકે મતદાન સમયે કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપ માટે સત્તાનો માર્ગ સરળ બન્યો હતો. આ રાજકીય વળાંક બાદ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો હતો.

Exciting elections in Modasa-Megharaj Taluka Panchayat, political equations reversed

આ પણ વાંચોઃ કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભારતીબેન ખાંટની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાકેશ પટેલ ચૂંટાયા છે. ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે જીવણ રબારીને સતત ત્રીજી વખત જવાબદારી સોંપવામાં આવી છે. પરિણામ જાહેર થતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિજયોત્સવ ઉજવી ખુશી વ્યક્ત કરી હતી.

બીજી તરફ મેઘરજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું. અહીં કોંગ્રેસ પાસે 11 બેઠકો સાથે આંકડાકીય રીતે બહુમતી હોવા છતાં આંતરિક મતભેદ અને અંતિમ ક્ષણના ક્રોસ વોટિંગે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું હતું. કોંગ્રેસના બે સભ્યોએ પક્ષના વલણથી વિરુદ્ધ જઈ ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો વધ્યો હતો.

એક અપક્ષ સભ્ય અને કોંગ્રેસના બે બળવાખોર સભ્યોના સમર્થન સાથે ભાજપે કુલ 13 બેઠકોનો આધાર મેળવી સત્તા પોતાના પક્ષે ખેંચી લીધી હતી. આ રાજકીય સમીકરણોના પરિણામે ભાજપના સમર્થનથી કોંગ્રેસના જ ભરત ખાંટ પ્રમુખ પદે બિરાજમાન થયા છે, જ્યારે અરવિંદ ખરાડી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.

આ પણ વાંચોઃ 721 વર્ષ પછી ભોજશાલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરાવાયો 56 ભોગ

મેઘરજમાં વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી જતાં જિલ્લામાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ છે. મોડાસા અને મેઘરજ બંને તાલુકા પંચાયતના પરિણામોએ અરવલ્લીના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા કર્યા છે અને આવનારા સમયમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code