Site icon Revoi.in

આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ગામડે-ગામડે પહોંચી છે: ડો. મનસુખ માંડવીયા

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ચ્યુઅલી કર્યું હતું. આ તકે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસેવાને સમર્પિત વડાપ્રધાન છે. નાગરિકોના ટેક્સના પૈસાનો સરકાર દ્વારા વિકાસના કામોમાં સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી, સહિતની જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ ગામડે ગામડે પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કાર્યને આગળ વધારી રહ્યા છે. સરકાર દ્વારા વિકાસના કાર્ય ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવામાં આવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉમેર્યું હતું કે, ગુડ ગવર્નન્સનું આદર્શ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જોવા મળી રહ્યુ છે. છેવાડાના અંતિમ માણસનો સર્વાંગી વિકાસ કરવો તે વર્તમાન સરકારની નેમ છે. શ્રમિકો, ખેડૂતો, નાના વેપારીઓ સહિત તમામ વર્ગને સાથે રાખીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે.ત્ યારે ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે. રૂ.૬૭.૫ કરોડના વિકાસના વિવિધ ૭૧ કામો દ્વારા આ વિસ્તારની સુખાકારીમાં વધારો થશે તેવી આશા ધારાસભ્યશ્રીએ વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત રૂ. ૨૯.૯૧ કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન તથા “ફાટક મુક્ત ગુજરાત અભિયાન” અન્વયે રૂ.૨૫.૦૬ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન, આંગણવાડી રીનોવેશન વર્ક, અમૃત સરોવર બ્યુટીફિકેશનનું કામ, ચુનીલાલ મડિયા સર્કલ વગેરે જેવા ૫ કામોનું રૂ. ૬૨૧ લાખનું ખાતમુહૂર્ત તેમજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડમાં ગાર્ડન ડેવલેપમેન્ટ, જૂના પોરબંદર રોડ પર સર્કલ બનાવવાનું કામ, સ્મશાન ડેવલપમેન્ટ વગેરે ૫ કામોનું રૂ. ૨૬૮.૪૮ લાખનું ખાતમુહૂર્ત તથા એસડીએચ હોસ્પિટલમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટમાંથી રૂ.૧૮ લાખની એમ્બ્યુલન્સનું લોકાર્પણ, ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર સોસાયટીની પાસે આવેલ ડમ્પ સાઈટની ફરતે કંપાઉન્ડ વોલનું રૂ.૧૬૭ લાખના કામનુ ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસના કાર્યોની લોકોને ભેટ આપવામાં આવી હતી.

Exit mobile version