
ગુજરાતમાં GMERS કોલેજની ફીમાં કરાયો ઘટાડો, સરકારી ક્વોટામાં 3.75 લાખ, મેનેજમેન્ટમાં 12 લાખ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની 13 GMERS કોલેજની 2100 બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે.
તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં પ્રવર્તમાન રૂ. 5.50 લાખ ફી માંથી ઘટાડીને રુ. 3.75 લાખ એટલે કે અંદાજીત 80% અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ.17 લાખ ફી માંથી ઘટાડો કરીને રૂ. 12 લાખ એટલે કે અંદાજીત 62.5 %નો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવર્તમાન ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ 2024-25થી જ લાગુ પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત 30 જૂન, 2024ના રોજ રાજ્ય સરકારે GMERS(ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો હતો, જોકે આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થતાં રાજ્ય સરકારે ફી વધારો કર્યાના 16 દિવસ બાદ યુ-ટર્ન માર્યો છે અને ફીમાં ઘટાડો કર્યો છે. સરકારે ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખ ફી ઘટાડી છે. ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે. જોકે આ ઘટાડો જાહેર કરવા છતાં પાછલા બારણેથી તો ગવર્નમેન્ટ ક્વોટાની ફીમાં 35000નો અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 2.25 લાખનો વધારો કર્યો છે. હવે ગવર્નમેન્ટ ક્વોટામાં એડમિશન માટે 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે 12 લાખ ફી ભરવાની રહેશે.